મુખીપણું લજવતો નહિ..  

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

કેશવ પટેલનું અવસાન થતાં તેમનો દીકરો વિઠ્ઠલ ગામનો મુખી બન્યો હતો. ગામમાં વિઠ્ઠલની દાદાગીરીથી સૌ ડરતા હતા. એ તો કેશવ પટેલ જીવતા ત્યાં સુધી સારું હતું કે તેમની  બે આંખની શરમથી વિઠ્ઠલ કંટ્રોલમાં હતો. પણ હવે તો એને મોકળુ મેદાન મળી ગયું હતું . કેશવ પટેલને ગામના શિવ મંદીરના પૂજારી જયંત મહારાજ સાથે સારુ બનતું હતું. ને જયંત મહારાજનું કેશવ પટેલ માન પણ રાખતા. પરંતુ હવે કેશવ પટેલના જવાથી જયંત મહારાજની વાત વિઠ્ઠલ મુખી માને કે કેમ તે એક સવાલ હતો. તો ય જયંત મહારાજ તો વિઠ્ઠલને વારે ઘડીએ બોલાવીને બે શબ્દો શિખામણના દેતા અને કહેતા કે કેશવ પટેલનું નામ બોળતા નહિ. મુખીપણું એવું કરજો કે કેશવ પટેલને સ્વર્ગમાં પણ  આનંદ થાય. જો કે વિઠ્ઠલને જયંત મહારાજની વાતો બહુ ગમતી નહિ, પણ એ કાંઇ કરી શકતો નહિ.

આજે ઉગમણી દિશામાં ટોળે વળી રહેલાં કાળાં કાળાં વાદળ જોઇ જયંત મહારાજના દિલમાં ટાઢક થવા લાગી હતી. આવનારા વરસાદની એંધાણીથી એમના મનમાં ખુશીની લાગણી ઉદભવી રહી હતી. પવન પણ  ધીમે ધીમે જોર પકડી રહ્યો હતો. સમી સાંજ થવા આવી હતી. મંદિરના પ્રાંગણમાં ઉભેલાં આસોપાલવનાં બે ત્રણ વૃક્ષો પણ વરસાદના સ્વાગત માટે જાણે  કે ઝૂકી રહ્યાં હતાં. બરાબર આ જ સમયે એક યુવતી દોડતી દોડતી મંદિરમાં દાખલ થઇ. તે દોડવાથી હાંફી ગઇ હતી. સુડોળ કાયા ધરાવતી આ યુવતીએ મહારાજને આજીજી કરી તેની પાછળ પડેલા ગુંડાઓથી બચાવી લેવા કહ્યું. સ્થિતિ પામી જઇ મહારાજે તેને પોતાની ઓરડીમાં બંધ કરી બહારથી સાંકળ  ચઢાવી દીધી.

પછી મહારાજ હાથમાં લાંબી લાકડી  લઇ મંદિરના દરવાજા સુધી જઇ આવ્યા પણ યુવતીની પાછળ કોઇ આવતું હોય તેમ જણાયુ નહિ. મહારાજને આશ્ર્ચર્ય થયુ. પેલાં કાળાં વાદળો ચારે કોર છવાઇ ગયાં હતાં. વરસાદના છાંટા  ચાલુ થઇ ગયા હતા. મહારાજને મંદિરમાં આરતીની તૈયારી પણ કરવાની હતી. તેમને થયું કે આ છોકરી કોણ હશે ? દોડતી દોડતી આમ ક્યાંથી આવી હશે ? કોઇ ગુંડા જેવા માણસો તો પાછળ આવ્યા તો નહિ…. તો શું આ છોકરી જૂઠુ બોલતી હશે ??  વળી આજથી પહેલાં અહીં કદી જોવા પણ મળી ન હતી.

ત્યાં તો પેલી યુવતીએ અંદરથી બારણું ખખડાવ્યુ, મહારાજે બારણું તરત ઉઘાડ્યુ ને બોલ્યા,

” બેટા બહાર આવી જા, હવે બહાર કોઇ ભય નથી.”

તે હજુ પણ ફફડતી હતી ને ભયભીત નજરે આજુબાજુ જોતી હતી.

” શું થયું હતું બેટા ?? તું કોણ છે ને કોણ તારી પાછળ પડ્યું છે ?? ”

મહારાજનો આ પ્રશ્ન સાંભળી  યુવતી થોડીવાર કશુંક વિચારતી રહી, મહારાજના ચહેરા તરફ જોતી રહી ને પછી એકદમ રડવા લાગી….ને રડતાં રડતાં બોલી,

” મહારાજ મને માફ કરો, મને તો આ ગામના વિઠ્ઠલ મુખીએ તમને બદનામ કરવા પૈસા આપીને મોકલી છે, પરંતુ તમે તો ભગવાનના ભગત છો, મને તો તમારી આ ઓરડીમાં જાણે કે સાક્ષાત ભગવાન રહેતા હોય એવું લાગ્યું છે. તમારા જેવા ભગવાનના માણસને બદનામ કેવી રીતે કરાય ???  હું તો એ લુચ્ચા મુખીને જ બદનામ કરીશ…એની પોલ ખોલીશ ને પોલીસ સ્ટેશનમાં  જઇ એની વિરુધ્ધ ફરિયાદ કરીશ..”

આ સાંભળીને પહેલાં તો મહારાજ ચોંકી પડ્યા. પણ પછી સ્વસ્થ થતાં બોલ્યા,

” ના,ના બેટા તું આ શું બોલી ?? મારું જીવન તો ભગતનું જીવન છે, મારા થકી કોઇને ય દુ:ખ પહોંચે એવું કામ ન થાય…જો તું કાંઇપણ કરે તો તને મારા સમ છે…અરે મારા શિવજીના સમ છે ..”

પછી પાછા અટકીને બોલ્યા,

” બેટા જો વરસાદ ચાલુ થઇ ગયો છે, તું ક્યા ગામની છે ? ને ક્યાંથી આવે છે એ હું જાણતો નથી પણ હમણાં થોડીવાર શંતિથી બેસ,આરતી થઇ જાય એટલે તને જ્યાં જવું હશે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરીશ.”

પેલી યુવતી કે જે એક બજારુ યુવતી હતી.અને વિઠ્ઠલ મુખીના કહેવાથી પૈસા લઇને અહીં આવી હતી, તે જયંત મહારજની ઓરડીમાં થોડીવાર રહી અને મહારાજની સૌજન્યતા  જોઇ  એ ખૂબ જ પ્રભાવિત થઇ ગઇ હતી. તેના હ્રદયમાં પરિવર્તન આવી ગયું હતું.તે મહારાજના ચરણોમાં ઝૂકી પડી ને ફરીથી કદાપિ આવો ધંધો નહિ કરે તેવી પ્રતિજ્ઞા લીધી. બરાબર આ જ સમયે મંદિરના દરવાજાની બહાર આવીને ઉભો રહેલો વિઠ્ઠલ મુખી પણ અંદર દોડતો આવ્યોને મહારાજના પગ પકડીને રડતાં રડતાં તેમની માફી માગવા લાગ્યો… તેને પણ તેની ભૂલ સમજાઇ હતી… કદાચ તેનામાં રહેલા કેશવ પટેલના મૂળના સંસ્કાર જાગી ગયા હતા… પોતાના  પિતા અને ગુરુ સમાન એવા જયંત મહારાજને બદનામ કરવા તે કેટલી હદે નીચો ઉતરી ગયો હતો…એનુ એને પેલી યુવતીએ આજે  ભાન કરાવી દીધું હતુ…

જયંત મહારાજે પ્રેમથી તેના માથે હાથ ફેરવી તેને બેઠો કર્યો ,ને બોલ્યા–

” બેટા , શાંત થા– તને તારી ભૂલ સમજાઇ એ જ મોટી વાત છે, મારી તો એક જ શિખામણ છે કે તું ક્યારે ય કોઇનું દિલ દૂભવીશ નહિ.. ને તારુ મુખીપણું લજવીશ નહિ..”

આ ક્ષણે સ્વર્ગમાં બેઠેલા કેશવ પટેલ પણ કદાચ ગદગદ થઇ ગયા  હશે .. !!! વિઠ્ઠલ હવે જ સાચો મુખી બનવાનો હતો,,,

  • અનંત પટેલ

anat e1526386679192

 

Share This Article