” મારા ગામની નદીના સમ. હું જે કહું છું તે સાચું કહું છું હવે એ તમારા માન્યામાં ન આવે તો એમાં મારો શો વાંક ? હા મારો વાંક એટલો ખરો કે મેં તમારી વાતોમાં આવી જઇને મારા જીવનનું કદીય નહિ ઉઘાડવા જેવું પાનું તમારી આગળ ખોલી દીધું !! ”
વાત કંઇક આમ બની હતી. લીનાને લગ્ન પછી એક રાત્રે તેના પતિ લવે ભૂતકાળની વાતો પૂછી. કેટલાક યુવાનો લગ્ન પછી તેમના મિત્રોની અધકચરી સલાહને અનુસરી પરણીને સાસરે આવેલી નવોઢા માટે મોટી સમસ્યા ખડી કરી દેતા હોય છે.
લગ્ન કરી લીધા પછી પત્નીના ભૂતકાળને જાણીને શું કરવો છે ? અને જો આવી શંકા કુશંકા વાળો સ્વભાવ હોય તો લગ્ન પહેલાં જ આવી બાબતોની ખાતરી ગુપ્ત રીતે કરી લેવી જોઇએ.
પરંતુ હવે લગ્ન થઇ ગયા પછી આવી બધી લમણાઝીંક કરવાનો કોઇ અર્થ નથી. દામ્પત્ય જીવન એકમેક ઉપરના વિશ્વાસ અને શ્રધ્ધાના આધારે જ સરળ અને સુખભર્યુ બની રહે છે.
હવે જ્યારે લીનાને તેના ભૂતકાળમાં કોઇની સાથે કશો સંબંધ બંધાયો હોય તો તેની નિખાલસ કબૂલાત કરવા તેના પતિએ કહ્યું ત્યારે લીના પ્રથમ તો ગભરાઇ ગઇ. તેને બીક લાગી કે એ કદાચ કશુંક ખરુ ખોટુ જાણી ગયા હશે કે શું ?? કદાચ એ જાણતા હોય ને મારી પાસે સાચી કબૂલાત કરાવવા ય માગતા હોય તો !! પ્રથમ તો લીનાએ ના પાડી. વળી આવું બધું જાણીને ય શું કરવાનું ?? એવી દલીલ તેણે કરી. આમ છતાં લવે જ્યારે વાત મૂકી નહિ ત્યારે લીનાએ સ્પષ્ટતા કરી હતી.
” મારા જીવનમાં તો કોઇ ખાસ મોટો બનાવ બન્યો નથી, મારા ગામમાં મારી સાથે ભણતો મુખીનો છોકરો આવતાં જતાં મને ટીકી ટીકીને જોઇ રહેતો. એક દિવસ હું નદીએથી કપડાં ધોઇને આવતી હતી ત્યારે મને એકલી જાણીને એણે મારા પર કુદ્રષ્ટિ કરી. એકદમ મારો હાથ ઝાલીને મને કહે કે ચાલ મારા ખેતરમાં, બે ઘડી તારી સાથે મન ભરીને વાતો કરવી છે, હું તેનો ઇરાદો પારખી ગઇ.. મારા માથા પરથી કપડાં ભરેલુ તગારુ નીચે પડી ગયું. મેં ઝડપથી પગમાંથી ચંપલ કાઢીને બે ચાર તેના બરડામાં લગાવી દીધી ને ફરીથી ક્યારે ય મારી સામે નહિ દેખવાની ધમકી આપીને કાઢી મૂક્યો. એ ગયો તો ખરો પણ જતાં જતાં કહેતો ગયેલો કે જાઉં છું તો ખરો પણ યાદ રાખજે હું તને જોઇ લઇશ ! ”
લીનાએ પોતાના જીવનમાં બનેલો આ પ્રસંગ તેના પતિ લવને કહી સંભળાવ્યો. લવે એ વખતે તો વાત સાંભળી લીધી પણ પછી એ દિવસથી જાણે કે એની ઉંઘ હરામ બની ગઇ. એ નવું નવું વિચારવા લાગ્યો . શું એ મુખીનો છોકરો બીજી વાર લીનાને નહિ મળ્યો હોય ?? ને મળ્યો હોય તો એણે શું શું કર્યુ હશે ? શું લીના પાછળથી બદલાઇ ગઇ હોય ને એને શરણે થઇ ગઇ હોય તો ??
આમ નવા નવા તરંગો પેદા થવાથી લવ અને લીનાનું દાંમપત્ય જીવન ડહોળાઇ ગયું. લીના એને ખૂબ સમજાવતી કે આટલી ઘટના સિવાય બીજું કાંઇ જ બન્યું ન હતું. ને બીજો કોઇ જ છોકરો તેના જીવનમાં આવ્યો નથી., પણ લવનું મન માનતું નહિ…તેણે કદાચ હાથે કરીને પીડા વહોરી હતી. લીનાએ નિખાલસ હ્રદયથી બનેલી એ ઘટનાની કબૂલાત કરી હતી.
લવની મનોદશામાં કોઇ ફેરફાર ન જણાતાં લીના તેને લઇને પોતાના પિયરમાં આવી. ગામની નદી, નદીની ભેખડો, કિનારા પર ઉભેલા વૃક્ષો , હરિયાળાં ખેતરો એ બધું જોઇને લીના ખુશ થઇ ગઇ, પણ પતિ લવની વિચિત્ર મનસિક સ્થિતિ યાદ આવતાં પાછી એ બેચેન બની ગઇ. રસ્તામાં સામેથી મુખી કાકા મળ્યા,
” કેમ છે બેટા ? આવ આવ, મઝામાં છો ને ? ”
” હા, મુખીબાપા..”
લીનાએ લવને મુખી બાપાની ઓળખાણ કરાવી. રસ્તે આગળ જતાં લવે ઘણા દિવસથી મનમાં ઘુમરાતો પ્રશ્ન લીનાને પૂછી નાખ્યો,
” તે પછી આ મુખી બાપાનો છોકરો અત્યારે શું કરે છે ? એનું લગન બગન થયું કે નહિ ?? ”
” અરે એની તો શી વાત કરું ? મારી સાથે પેલો બનાવ બન્યો એના બે ચાર દિવસ પછી એ ગામ છોડીને ચાલ્યો ગયો તે ગયો પછી પછી પાછો જ નથી આવ્યો, શી ખબર હવે કદાચ પાછો આવ્યો હોય તો ?
લીનાના મોંઢેથી આ શબ્દો સાંભળીને લવના હ્રદય પરથી જાણે કે કશો ગુપ્ત ભાર ઉંચકાઇ ગયો. પોતે કેવી વિચારોની માયાઝાળ ઉભી કરીને દુ:ખી દુ:ખી થઇ ગયો હતો ?? હવે જાણે કે અને કશીક હળવાશ અનુભવાતી હતી.
લીના અને લવે ગામડાની નદીના કિનારે ઢળતી સંધ્યાને બરાબર માણી. લગ્ન પછી પતિ કે પત્નીના ભૂતકાળને જાણવાની ચેષ્ટા કરવી એ મૂર્ખતા છે, એનો અનુભવ લવને થઇ ગયો….તમે પણ જરા ધ્યાન રાખજો હોં…
- અનંત પટેલ