સમજફેર 

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

પ્રો. રોહિણિ પંડ્યાને પિસ્તાળીસમું વર્ષ ચાલી રહ્યું હતું છતાં શરુઆતથી તેમણે શરીરની એટલી કાળજી રાખી હતી કે તેમની ઉંમર આજે પણ ત્રીસની આસપાસ જ લાગતી હતી. રીટાયરમેન્ટને આરે પહોંચેલા પ્રિન્સિપાલ હોય કે વીસ બાવીસ વર્ષનો સ્નાતક કે અનુંસ્નાતકનો નવયુવાન વિદ્યાર્થી હોય, રોહિણિનું  વ્યક્તિત્વ એક આકર્ષણનું કેન્દ્ર હતું.

આમ છતાં હજી સુધી પ્રો. રોહિણિ પંડ્યાના નામે કોઇ લફરા પ્રકરણ ચઢ્યું ન હતું. ખોબલે ખોબલે રૂપ હતું પણ વાણીમાં એવી તીખાશ ને વળી નજર પણ એટલી વેધક કે કોઇ એમની સામે વધારે જોવાની હિંમત કરી શકે નહિ . એમનો વર્ગ ચાલતો હોય ત્યારે કલાસમાં કોઇ છોકરો ચૂં કે ચાં કરી શકે નહિ. એમના વિષયમાં પણ એમનું પ્રભૂત્વ…કોઇ એમને ચેલેન્જ કરી શકે નહિ.

આવાં રોહિણિ પંડ્યાનું વર્તન એમ.એ. ના પ્રથમ વર્ષમાં આવેલા નવા વિદ્યાર્થી કેતન પ્રત્યે જાણે કે કંઇ જૂદા જ પ્રકારનું હતું. કેતને પહેલી વાર મેડમને જોયાં ત્યારથી જ તે એમના તેજાબી વ્યક્તિત્વથી અંજાઇ ગયો હતો.

અરે એ એટલો બધો ગભરાઇ ગયો હતો કે રોહિણિના લેક્ચરમાં તે જતો જ નહિ. તેને ક્લાસમાં નહિ જોઇને  રોહિણિ બેચેન બની હોય તેમ લાગતું.

તેણે બીજા છોકરાઓ સાથે સમાચાર મોકલાવીને કેતનને રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરવા જણાવ્યુ. કેતનને કંઇ સમજાયું નહિ. જોકે કેતન સાવ ઢ કહી શકાય તેવો છોકરો પણ ન અતો. તે પણ આજના મોટા ભાગના કોલેજિયનની જેમ રોમિયોનો મિજાજ ધરાવતો હતો. અને લગભગ દરેક  પુરુષમાં સ્વભાવગત ભ્રમર વૃત્તિ છૂપાયેલી હોય જ છે. કેતનમાં પણ આવી વૃત્તિ છૂપાયેલી હતી.  આ વ્રુત્તિ રોહિણિના તેના તરફના કૂણા વલણને લીધે બહાર આવી ગઇ.

અને રોહિણિનું દેહ સૌષ્ઠવ એટલું બધું આકર્ષક હતું કે એની ઉંમર બાબતે ગમે તે માણસ ગોથું ખાઇ જાય…!!! આમ કેતન પણ રોહોણિ માટે કંઇક બીજી જ દિશામાં વિચારતો થઇ ગયો, તેને હરતાં ફરતાં બસ રોહિણિના જ વિચારો આવવા લાગ્યા. કોઇ યુવતીએ સહેજ સ્માઇલ આપ્યું કે બે સારી વાત કરી તો ભાઇ સાહેબ એના દીવાના… એ ન્યાયે કેતન પણ કશીક દીવનગી મહેસૂસ કરવા લાગ્યો હતો.. અરે પણ ભાઇ તું થોભ તો ખરો…

” એ શું કામ હસે છે ? એ શું કામ તારામાં રસ લે છે ? એ તો જાણવાની કોશિશ કર,”

પણ ના એવું ક્યાં કોઇને કશું વિચારવું જ હોય છે ? કેતન પણ આવા જ યુવાનોમાંનો એક યુવાન હતો… બસ એતો રોહિણનાં ખ્વાબ જોતો થઇ ગયો. વળી  બે ચાર સાથી મિત્રોએ ઠાવકાઇથી તેની આ વૃત્તિને પ્રોત્સાહન આપ્યું એટલે બસ જાણે એ તો રોહિણિનો દીવાનો જ બની ગયો…

ને એક દિવસ રોહિણિએ એને સાંજે તેના બંગલે જમવા બોલાવ્યો, બસ પછી તો પૂછવું જ શું ? કેતન કંઇજ વિચારી શકતો જ ન હતો..મેડમે શું કામ   મને સાંજે જમવા બોલાવ્યો હશે ?? શું એ એકલાં હશે ? એમના મિસ્ટર બહાર ગયા હશે ?? અવનવા પ્રશ્નોથી મૂઝાતો  કેતન સાંજે રોહિણિના બંગલે પહોંચ્યો ત્યારે તેનું આશ્ર્ચર્ય ઓર વધી ગયું.

કેમ કે બંગલામાં રોહિણિ મેડમ એકલાં જ હતાં.  કેતન કશું ક અજુગતુ પણ મનગમતું બનશે એવી દહેશતથી ડ્રોઇન્ગરૂમમાં બેસી રહ્યો. રોહિણિ બે ગ્લાસ ઠંડુ પાણી લઇ આવી. તેણે કેતનને કંઇક ગભરાયેલો જોઇ કહ્યું,

” રીલેક્સ બોય, તારે ગભરાવાની જરૂર નથી, મેં તને શા માટે બોલાવ્યો છે એ તને હમણાં જ ખબર પડી જશે…”

પછી ટ્રેમાંથી પોતે ગ્લાસ ઉપાડી તેને ધરતાં બોલી,

” ટેક ઇટ માય બોય.!!! .”

કેતન  એકી શ્વાસે તે પી ગયો. ત્યાં જ તેની  નજર ખૂણામાં પડેલી  એક  તસવીર ઉપર પડી. તસવીરમાંનો ચહેરો કેતને ધ્યાનથી જોયો તો તેના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો..તેને થયું કે આ તો તેનો જ ફોટો છે.. ! તેને તરત જ મેડમને પૂછી નાખ્યુ,

” મેડમ આ ફોટો કોનો છે ? ”

” ક્યો ? પેલો ખૂણામાં ટેબલ પર પડ્યો છે તે ? ”

” હા મેડમ, એ ફોટો તો બાળપણનો મારો ફોટો હોય એવું લાગે છે…”  કેતન બોલ્યો.

“હા પણ એ તારો ફોટો નથી, એ ફોટો છે મારા પુત્ર જયેશનો જે આજથી દસ  વર્ષ પહેલાં અકસ્માતમાં  મૃત્યુ પામ્યો છે..”

”  તને મેં અહીં શું કામ બોલાવ્યો છે ? હું તારી સાથે શા માટે હસીને બોલું છું, હું શા માટે તારામાં આટલો   રસ લઉં છું એનું રહ્સ્ય તને હવે કદાચ સમજાયું હશે !! ”

— પળવારમાં જ કેતન બ્ધું જ સમજી ગયો. તેને પોતાની જાત પર નફરત થઇ આવી. પોતાના હલકા વિચારો બદલ તે પોતાની જાત પર ધિક્કાર વરસાવા લાગ્યો.

પણ પછી મેડમને ચરણે પડી બોલ્યો,

” મેડમ મને માફ કરો, હું તમારા માટે કેટલું ખરાબ  વિચારી બેઠો હતો… મને ભગવાન પણ કદાપિ માફ નહિ કરે.. ”

બોલતાં બોલતાં તે ગળગળો થઇ ગયો.

” નહિ માય સન, તારી જગએ કોઇપણ યુવાન આવું વિચારી બેસે, એમાં તારી ભૂલ નથી, ચાલ આપણે  જમી લઇએ…. આજે મારા જયેશનો  આઇ મીન તારો બર્થ ડે છે….!!! ”

પ્રો. રોહિણિ   પંડ્યાને કેતનના ચહેરામાં તેમના મૃત પુત્ર જયેશનો ચહેરો દેખાતો હોવાથી તેમના માતૃ હ્રદયે  કેતન પર અમી દ્રષ્ટિ નાખી હતી, બસ આટલું જ..

પણ આમાં જેમ કેતને જૂદું જ વિચાર્યુ  તેમ કોલેજના સ્ટાફમાં  પણ  આવી જ ચણ ભણ થતી હતી. કહ્યું છે ને દુનિયાના મોંએ ગળણું ક્યાંથી બંધાય, કે દાટો કઇ રીતે દેવાય ?

  • અનંત પટેલ

anat e1526386679192

 

Share This Article