બધું મારે જ જતું કરવાનું ??

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

પૂજા બી.એ. ના ફાયનલ ઇયરમાં હતી. ગયા ઉનાળામાં જ એના ભાઇ વીરેનનું લગ્ન થયું હતું. રૂપ રૂપનો  અંબાર જ નહિ પણગુણનો ય ભંડાર હોય એવી સરિતા ભાભી આવી હતી. ભાઇ વીરેન તો સરિતા પાછળ નવું નવું લગન થયેલું હોય એટલે લટ્ટુ હોય એ પણ સ્વાભાવિક હતું, પણ એની મમ્મી અને પપ્પા પણ આખો દિવસ,

” સરુ બેટા, સરુ બેટા….” કરે જ રાખતાં હતાં. આ બાબત પૂજાને ખૂબ જ કઠતી હતી.એને મનમાં થતું,

— ” ના, ના અમારે કંઇ નવાઇની વહુ થોડી આવી છે ??”

—  ” બધા ય ના છોકરા પરણે જ છે ને વહુ આવે એ સામાન્ય ઘટના જ કહેવાય..”

— ” પૂજાભાભી ય બે હાથ ને બે પગવાળી સ્ત્રી જ છે ને ? એનામાં નવું શું છે ?? ”

— મમ્મી પપ્પા ય જાણે કે એમની પાછળ પાગલ થયાં છે..”

પૂજાની સરિતા પ્રત્યેની આવી વિચારસરણીએ એને પૂજા તરફ નકારાત્મક વિચારો કરતી કરી દીધી હોય એમ બન્યું હતું. એને ભાભીના કામમાં  કશીક કસર જ દેખાય, એ વારે ઘડીએ મમ્મીને આ બાબાતે ધ્યાન દોરે પણ એનાં મમ્મી સરિતાને કશું કહેવાને બદલે પૂજાને જ સમજાવે,

” બેટા પૂજા, વહુનું શું ધ્યાન રાખવું એ કાંઇ તારે મને શીખવાડવાનું ન હોય, મેં કંઇ આટલાં વરસ પાણીમાં થોડાં કાઢ્યાં છે ? તું એની કશી ચિંતા કર્યા વગર તારા અભ્યાસમાં ધ્યાન આપે એ જ સારું હોં..”

આમ પૂજાની વાત પર એનાં મમ્મી તો ઠંડુ પાણી જ રેડી દેતાં. એટલે પછી પૂજાએ એના મોટા ભાઇ વીરેનને ભાભીની ફરિયાદ શરૂ કરી. વીરેન તો એની વાત ઠાવકાઇથી સાભળતો અને પૂછતો કે,

”  તેં મમ્મીને આ વાત કરી છે ? મમ્મીએ તને શું કહ્યું ?”

વીરેનનો આવો સામો સવાલ સાંભળી એ પાછી પડી જતી. વળી પાછો વીરેન એને જ ભાભી સાથે હળી મળીને રહેવા સમજાવતો. વીરેનનું પણ આવું વલણ જોઇ પૂજાએ એક સવારે મમ્મી અને ભાભી મંદિરે ગયાં હતાં ત્યારે પપ્પાજી સાથે ખુલ્લા  મનથી ચર્ચા કરી અને ભાભીના જે કંઇ વાંક એને દેખાયા હતી એ બધું જ કહી દીધુ, સાથે સાથે મમ્મી અને વીરેન પણ ભાભીને આ બાબતે કશું કહેવા તૈયાર જ નથી એમ પણ સ્પષ્ટ કર્યું. પપ્પા એની વાત સાંભળીને થોડી વાર માટે વિચારમાં પડી ગયા. પછી બોલ્યા,

” બેટા જો તું હવે કંઇ નાની નથી બે ત્રણ વરસ પછી તારે ય સાસરે જવાનું આવવાનું જ છે. એટલે તું ઘરની વાતમાં  રસ લે એ તો જાણે બરાબર છે, પણ હમણાં તું આ બધી લપ મૂકી દે અને એક માત્ર તારા અભ્યાસમાં જ ધ્યાન આપે તો સારું !!!! સરિતા  મને તો ખૂબ જ ડાહી અને સંસ્કારી લાગે છે એટલે તારે એની બાબતે મમ્મી કે વીરેન સાથે કંઇ ચર્ચા ન કરવી, હા જો તને કશું ક એવું લાગતું હોય તો એની સાથે ડાયરેક્ટ વાત કરી લેતી હોય તો ?? મને ખબર છે કે એ તને સારી રીતે સમજશે અને કશું ફેરફાર કરવા જેવું હશે તો એ જરૂર ફેરફાર કરશે જ..  ”

પપ્પાએ એને ખૂબ જ શાંતિ પૂર્ણ રીતે પણ સરિતાની તરફેણમાં વાત કરી એ પૂજાને ના ગમ્યું. એને થયું કે ઘરના બધા જ સભ્યો મારી વાતને સીરીયસલી લેતા જ નથી .

—  “શું મારો જ કંઇ  વાંક હશે “?

— “શું બધું મારે જ ચલાવી લેવાનું ” ??

—  “ભાભીને કોઇએ કશું કહેવાનું ય નહિ કે કરવાનું ય નહિ “??

—  ” ના  ના આ તો ન જ ચલાવાય..”

પૂજા કદાચ એના મનમાં બબડી. ત્યાં તો મંદિરે ગયેલાં મમ્મી અને ભાભી આવી પહોંચ્યાં . ભાભીએ પૂજાને હસીને પ્રસાદી આપી અને પછી કશી ખાસ વાત કરવાની છે એમ કહીને તેના બેડરૂમમાં લઇ ગઇ. પછી ધીમેથી એને પૂજાને કહ્યું,

” બેનબા તમે હવે  ગ્રેજ્યુએટ થઇ જ  જાવ,  તમારે માટે અમારા કુંટુંબમાંથી  એક છોકરાની મેં આજે જ મમ્મીને અને તમારા ભાઇને વાત કરી છે, છોકરો બહુ સારો અને ભણવામાં તેમ જ વ્યવહારિક બાબતે ય હોંશિયાર છે…તમે જોશો એટલે તમને ય ગમી જ જવાનો….”

એટલામાં સરિતાને કોઇનો ફોન આવતાં એ ફોન પર વાતે વળગી. ભાભી તો એના માટે સરસ મૂરતિયો પણ ગોતીને બેઠાં છે એ જાણ્યા પછી પૂજાને ભાભી પ્રત્યે માનની લાગણી જન્મી, અને પોતે કેવી એક જ દિશામાં ભાભીની માત્ર ખામી અને ખામી જ શોધી રહી હતી એ બદલ મનોમન પસ્તાવો કરવા  લાગી…એને થયું એણે કદાચ સરિતા ભાભીને ઓળખવામાં ભૂલ કરી છે …એને એના પપ્પાની સરિતા અંગેની વાત એકદમ સાચી લાગી…. એણે એ જ ઘડીથી નકી કર્યું કે એ જ્યાં સુધી એ ઘરમાં રહેશે ત્યાં સુધી કાયમ  ભાભીના દરેક કામમાં  સાથે ને સાથે જ રહેશે..

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article