” અલિ છાયા, જો પાછું આજે ય તેં દાળમાં મીઠુ વધારે ઝીંક્યું છે….”
સૂર્યાબાએ જમવાનું શરુ કરતાં જ દાળને જીભે અડાડતાં જ બોલ્યાં. ટેબલ પર એમની સામે જ એમના પતિ એટલે કે વહુ છાયાના સસરા પણ બેઠા હતા. એમણે ય દાળ ચાખી. એમને સહેજે ક મીઠુ તરતું તો લાગ્યુ. પણ પછી એમને યાદ આવ્યું કે એમનાં પત્નીએ ઘણી ય વાર આવીજ દાળ એમને ખવડાવી છે, પણ એ તો એમને એના માટે ક્યારેય વઢતા ન હતા અને આજે સૂર્યાબા એ જ કારણે વહુને કહ્યા વગર રહેતાં ન હતાં. એ કશું બોલ્યા વિના જમતા જ રહ્યા. ત્યાં તો રસોડામાંથી છાયા હસતી હસતી બહાર આવી ને બોલી,
” હેં બા, આજે ય દાળ એવી થઇ છે ? સોરી સોરી બસ, હવે જો બીજી વાર આવું થાય તો તમે મને કહેજો..”
એણે સસરાને દાળમાં ખરેખર મીઠું વધારે છે કે કેમ એ પણ ન પૂછ્યુ. સસરાને તો વહુએ સોરી કહ્યું એટલે વધારે કશું કહેવાનું રહ્યુ નહિ..સૂર્યાબા પણ વહુએ સોરી કહી દીધું એટલે વાત વધારે આગળ ન ચલાવી.
છાયા પરણીને આ ઘરમાં આવી અને તેણે રસોઇ બનાવવાનું શરુ કર્યુ એ જ દિવસથી સૂર્યાબા એની કશીક તો ખામી કે ઉણપ બતાવ્યા વિના રહેતાં નહિ. એટલું જ નહિ એનો દિયર પ્રવીણ અને એની નણંદ કાજલ પણ રોજ ભાભીના કામમાં કશીક ભૂલ કે ક્ષતિ બતાવતાં જ. અમુક ઘરોમાં કદાચ એવું હોય છે કે વહુ આવે એટલે એને ક્યું કામ કેટલું આવડે છે , ક્યું નથી આવડતું, એ શામાં હોંશિયાર છે ? શેમાં એને ગતાગમ નથી પડતી આવું બધું બસ શોધ્યા જ કરવું. અરે ભલે એ એવું શોધતાં હોય પણ એ જે કાંઇ સારું જૂએ એના માટે એની સહેજ પ્રશંસા કરતાં હોય તો તો બહુ સરસ, પણ ના, એમને તો વહુમાં કમી ક્યાં છે એ જ શોધવાનું ભગવાને જાણે લખી અપ્યું હોય એવી જ રીતે એ લોકો વર્તતાં હોય છે.
— દિયર પ્રવીણને ભાભીએ બનાવેલી ચા ન જ ગમે, છાયાએ આદુ નાખીને મસાલેદાર ઉકાળેલી ચા બનાવી હોય તો ય એ ભાઇ સાહેબ કંઇ તો બોલ્યા વિના ચા ન જ પીવે….!!!
— કાજલને ભાભી જાણે એનાં જ કપડાં જાણી જોઇને બરાબર ધોતી ન હોય એવું જ લાગતું……
— છાયાનો પતિ મહેશ પણ આ ટોળકીનો દોરવાયો દોરાઇ જતો, ને એ ય છાયા પ્રત્યે મોંઢુ બગાડતો, પણ છાયા તો એ ય હસી કાઢતી.
પતિ, સાસુ, દિયર કે નણંદ છાયાની જ્યારે પણ ક્ષતિ બતાવે તો એ તો એનું હસીને જ સ્વાગત કરતી. એનો ચહેરા પર સદાય રમતિયાળ સ્મિત જ ફરકતું હોય, સૌ પડોશીઓને પણ લાગે કે આ વહુ કામ કરીને થાકતી હશે, તે છતાં કોઇની સાથે ઝગડવાનું કે માથાકૂટ કરવાનું નામ જ લેતી નથી.. ખરેખર બહુ સહનશીલ વહુ કહેવાય..નકર આજના જમાનાની કોઇ પણ વહુ આવું બધુ જરાય ચલાવે જ નહિ…… એવી એ સૌની માન્યતા હતી.
એક બે મહિના સુધી તો છાયાને એના સસરા સિવાયના બધા જ સભ્યો તરફથી જાણે કે એને સુધારવાનું અભિયાન ન ચલાવાયું હોય એવું લાગ્યુ. તે છતાં એને માટે એ તો જરાય મૂંઝાતી ન હતી. એની પાસે તો એક જ ધારદાર શસ્ત્ર હતું, માત્ર સ્મિત.. …પછી અચાનક ધીમે ધીમે એવું થવા લાગ્યું કે સૂર્યાબા એ છાયાની કોઇ ખામી બતાડવાનું ઓછું કરી દીધું ને વધારામાં જો પ્રવીણ કે કાજલ ભાભીની કશીક ભૂલ બતાવે તો એ છાયાનો પક્ષ લેતાં અને પેલાં બે જણને ટપારતાં. વળી કાજલને તો એણે ય કોઇના ઘરે વહુ થઇને જવાનું છે એ યાદ અપાવીને ભાભી જોડે પ્રેમથી રહેવા સમજાવતાં…. એક રાત્રે મહેશે એની મમ્મીના સ્વભાવમાં આવેલું પરિવર્તન જોઇ છાયાને પાસે બેસાડી આનું રહસ્ય પૂછ્યું તો છાયાએ એને પણ હસીને કહ્યું,
” જૂઓ તમારી મમ્મીનો સ્વભાવ કેમ બદલાયો એની મને તો શી રીતે ખબર પડે..કદાચ એમના રુદિયાને ગમે એવું કશું એમને કાંઇ લાગ્યું હશે..!!! ”
છાયાના જવાબથી મહેશ વધારે મૂંઝાયો નહિ, ત્રણેક મહિનાના સહવાસથી એ પણ છાયાને સારી રીતે ઓળખતો થઇ ગયો હતો… પ્રેમ અને મીઠડુ સ્મિત એ સ્ત્રીની ગુરુ ચાવી છે. કોઇ પણ વ્યક્તિના તમે ખરા કે ખોટા દોષ બતાવો પણ એ ઉશ્કેરાવાનું નામ જ ન લે અને પાછી હસીને સોરી કહી દે તો તમે એને વિશેષ શું કરી શકો ?? એમાં તમારે ઝૂકવાનું જ આવે અને જો કદાચ તમે ય એના ગુણને અપનાવી લો તો કદાચ તમારાથી ય કોઇ નારાજ રહે જ નહિ….
મહેશ તેની પત્ની છાયાના આ વિશિષ્ઠ ગુણની કાયમ અનુભૂતિ કરી કરીને ધન્ય બની ગયો..
- અનંત પટેલ