” — સ્ત્રી એટલે જેની સવાર તેના પોતાના માટે નહિ પણ તમારા માટે થાય, જેની રાતોના ઉજાગરા અને આંખોની નીચેના કુંડાળા તમારા માટે થાય,
” — સ્ત્રી એટલે જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે છતાં પણ ” તું મને સમજતી જ નથી ” કે પછી ” તું મને ક્યારે ય નહિ સમજે ” એવા વાક્ય એ જ ભાવ શૂન્ય ચહેરે સાંભળી લે ,”
” — સ્ત્રી એટલે જેને બિમાર પડવાની , થાકવાની કે દુ:ખી દેખાવાની સખ્ત મનાઇ છે. ”
” — સ્ત્રી એટલે વગર વાંકે પિયરના લોકો વિશે ખરાબ સાંભળનારી,”
“— સ્ત્રી એટલે ફક્ત તમારા માટે તૈયાર થાય અને ” આજ ખૂબ જ સુંદર લાગે છે ” એવા એક વાક્યની આશમા તૈયાર થઇને તમારી આસપાસ કોઇ પણ અર્થ હીન વાતો કહે, ”
“— સ્ત્રી એટલે નાનપણમાં અને યુવાનીમાં જોયેલાં અઢળક સપનાં ઓના ફૂગ્ગાને મેરેજ નામની એક ટાંચણીથી ફોડી નાખે.”
હમણાં મારા એક મિત્રએ વોટસ અપ ઉપર સ્ત્રી વિશે ઉપર દર્શાવેલા સુવિચાર મોકલ્યા છે. તે વાંચતાં એમ થયું કે એમાં કહેવાયેલી બધી જ વાત એકદમ સાચી છે. અને એમાંથી જ કદાચ સ્ત્રીના સ્વભાવનું દર્શન થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની બીજી બાજુ પણ હોય જ છે. સ્ત્રીમાં એકતરફ સૌન્દર્ય છે તો બીજી તરફ કુરુપતા પણ છે જ. સ્ત્રી પુરુષને સુખ અને દુ:ખ બંને આપે છે , અલબત્ત એની માત્રામાં દરેક જગાએ વધ ઘટ થતી રહેતી હોય છે. સ્ત્રીઓ—
— ઝઘડાળુ પણ હોય છે, એક બીજાની ઇર્ષ્યા કરનારી ય હોય છે,
— કાવાદાવા કરનારી અને દાવ પેચ ખેલનારી પણ હોય છે,
— સ્નેહાળ અને ગજબની કોઠા સૂઝ ધરાવતી હોય છે,
— મા તરીકેની એની ભૂમિકા અદભૂત છે,
— સંસારના રથનું એ પણ બીજુ મહત્વનું ચક્ર છે,
કોઇને એના વિના ચાલતું નથી, ચાલ્યુ નથી કે ચાલવાનું પણ નથી. સ્ત્રી જૂદા જૂદા રૂપે પુરુષને રીઝવવાનું કાર્ય સુંદર રીતે કરી શકે છે. એના દરેક રૂપમાં સારી અને ખરાબ એમ બંને પ્રકારની શક્યતાઓ રહેલી છે. વ્યક્તિએ ક્યા રૂપ પાસેથી કઇ અપેક્ષા રાખવી એ તેણે સમય અને સંજોગો અનુંસાર નકી કરવાનું રહે છે. એને પૂરતુ માન સંમાન પણ જરૂરી છે, જરૂર પડે ત્યાં સહેજ ટકોર પણ જરૂરી બને છે. દીકરી તરીકે એ દરેક પિતાને માટે એક ગર્વ અને ગૌરવ સમાન હોય છે.
— ” નારી તું નારાયણી ”
— ” યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા: ”
આ બે સૂત્રો પણ નારી અર્થાત સ્ત્રી વિશે ઘણું બધુ આપણને કહી જાય છે. આમ છતાં આપણે જોઇએ છીએ કે સમાજમાં સ્ત્રીઓ
— રીબાય છે,
— કોઇ એના પર અત્યાચાર કરે છે,
— ક્યાંક તો બીજી કોઇ સ્ત્રી જ એના પર અત્યાચારમાં સહભાગી હોય છે.
શું આવું બધુ ચલાવી લેવાય ?? જી ના, સ્ત્રી ઉપર અત્યાચાર કરનારાને કડકમાં કડક સજા થવી જ જોઇએ. સ્ત્રીને ક્યારેક પતિ કનડે છે તો ક્યારેક એના જણેલા સંતાનો પણ કનડતા હોય છે. આવું કશુ ન થાય એના ઉપાય પણ સ્ત્રીઓ પાસે જ હોય છે. દરેક સ્ત્રી આટલું કરે–
— પોતાના કુંટુંબમાં કે પોતાની આસ પાસ કોઇ સ્ત્રીને કોઇના દ્વારા પીડન થતું નથી ને તેનું ધ્યાન રાખે,
— કોઇ સ્ત્રી પર થઇ રહેલા પીડનમાં એનો પોતાનો સીધો કે આડકતરો સહયોગ તો નથી ને ? એની ચોકસાઇ કરી લે,
—પોતાની આસ પાસનાં બધાં જ પાત્રો માટે હંમેશા કલ્યાણની ભાવના જ રાખે.
— ક્રોધ, લોભ, લાલચ અને ઇર્ષ્યા વૃત્તિનો સદાને માટે સંપૂર્ણ ત્યાગ નહિ તો થોડો ઘણોય ઘટાડો કરે
જો આટલુ દરેક સ્ત્રી કરી શકે તો દરેક ઘર જરૂર નંદનવન બની જશે. સૌને ખૂબ શુભેચ્છાઓ.
- અનંત પટેલ