કંટાળવું શું કામ ?

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

 

” ઓહો હો  હું તો ભઇ આ વોટસ અપ ઉપર આવતા મેસેજ વાંચી વાંચીને કંટાળી ગયો હોં…. જેવો ફોન હાથમાં લઇ વોટસ અપ જોવા જઉં તો બોધ અને ઉપદેશના સંદેશાના ઢગલે ઢગલા આવીને પડ્યા જ હોય…”

વોટસ અપ ઉપર આવતા સુવિચાર,બોધકથા,ઉપદેશ,મનોમંથન અને વ્યથાને લગતા સંદેશા કે વાર્તા કે દ્રષ્ટાંત કથા વાંચીને તે વાંચનારાના મનમાં કંઇક આવા ઉદગાર પ્રગટતા હશે….

— ” શું અમે સાવ ગાંડા છીએ ? શું અમારામાં બુધ્ધિ જ નથી ?

— ” ના ના આવા સંદેશા મોકલીને લોકો અમને શું સમજાવવા માગતા હશે ? ”

— ” મા બાપનું ધ્યાન રાખો, એમનું દિલ ન દૂભવો, લ્યા ભઇ તે અમારાં  મા બાપનું ધ્યાન અમે નહિ રાખીએ તો બીજું  કોણ રાખવા આવવાનું હતું ? ના ના બીજાને વળી અમારાં મા બાપની શું કામ ચિંતા કરવી પડે ? ”

— ” અલ્યા તમે કંઇ સારા નરસા સમાચાર પહોંચાડો, જન્મદિન કે એનિવર્સરી પર કોઇ મેસેજ , આશિષ કે દુઆ મોકલો એ બધું તો બરાબર છે પણ આ તો નકરા બોધ બોધ ને બસ બોધ જ… ”

વોટસ અપ ઉપર આવતા આવા મેસેજથી કંટાળી જઇને કેતન કંઇક લખવા માગતો હતો. પોતાની ડાયરી ખોલી એણે આવું કશું ક લખ્યું. એ લખતો જાય ને વિચારતો જાય.. એના ઘરમાં એની પત્ની, મા બાપ અને બે બાળકો બધાં  બહુ સરસ રીતે જીવન જીવતાં  હતાં. કોઇને એક બાજા માટે  જરા ય ફરિયાદ ન હતી. છતાં તે પોતે તેના ફોનમાં વોટસ અપ ઉપર તેના મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ તરફથી આવતા સંદેશા વાંચી વાંચીને કંટાળી ગયો હતો.તે આવું લખતો હતો ત્યાં જ એની પત્ની શેફાલી તેની બાજુની ખુરશીમાં આવીને બેઠી..,

” શં વિચારમાં પડ્યા છો ????? મને નહિ કહો ? ”

શેફાલીએ આટલુ પૂછતાં કેતનની બાજુમાં ખુલ્લી પડેલી ડાયરી હાથમાં લઇ તેમાં નજર નાખી…  કેતને જે કંઇ લખ્યું હતું તે વાંચી પછી ડાયરી બંધ કરીને મૂકી.

” ઓહો !!!  ખરા છો હોં તમે તો !!! વોટસ અપ ઉપર જે મેસેજ તમે વાંચો છો તે હું પણ વાંચું  છું, મને એમાંથી ઘણા ગમે છે ને ઘણા નથી પણ ગમતા.. પરંતુ હું  એ કારણે કંઇ કંટાળતી નથી, અને અત્યારે તમે જે ભગવાન બુધ્ધ જેવી મુદ્રા કરીને બેઠા છો તેવા ગહન મંથનમાં પણ કદી નથી પડતી.. ”

” એમ ? તો તું આવા બધા મેસેજ વિશે શું માને છે ? ”

” અરે યાર એના માટે શું માનવાનું ? જેને જે મોકલવું હોય એ મોકલે, આપણને ગમે અને સારું લાગે તો ખુશ થવું, કોઇ આપણા જેવા મિત્રને એ મોકલવું , બાકીનું જે ના ગમતું હોય એ ડીલીટ કરી દેવું..બસ..”

” એમ એવું જ ? ” કેતને સાશ્ર્ચર્ય પૂછ્યું.

” હા હા ઓફ કોર્સ , એવું જ ”

પછી શેફાલીએ ઉમેર્યું,

” અને જૂઓ આનાથી કંટાળો આવતો હોય ને તો થોડા દિવસ વોટસ અપ જોવાનું જ નહિ કે પછી એને  બંધ જ કરી દેવાનું બોલો…!!!! ”

શેફાલીની વાતથી કેતન પ્રસન્ન થઇ ગયો. તેને થયું આવી નાની વાતને શું કામ મગજમાં ઘૂસાડવી ? આપણે કશું ખોટું કે અયોગ્ય કરતા જ નથી  કે કરવું પણ નથી તો પછી  આવા મેસેજથી શું કામ કંટાળવું ??? જો તમે ય આવો કંટાળો અનુભવતા હોય તો આવું કંઇક કરી શકો…

  •  અનંત પટેલ

 

anat e1526386679192

 

 

Share This Article