પહેલા વરસાદની કમાલ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ઉગમણી દિશાએ કાળાં ડિબાંગ વાદળો છવાઇ ગયાં હતાં. સૂરજ ડૂબી ગયો હતો, આવનારા તોફાનથી ડરતાં હોય એમ પક્ષીઓ ઝડપભેર ઉડે જતાં હતાં.કાનજીને આ બધુ જોયા છતાં ઘેર જવાની કોઇ ઉતાવળ ન હતી. ઘેર કોઇ વાટ જોનારું હોય તો ઘેર જવાની ઉતાવળ થાય. કાનજીની પત્ની ગંગા રિસાઇને બે ત્રણ મહિનાથી પિયર ચાલી ગઇ હતી. તે દિ  કાનજી મુખીના દીકરા જોડે શહેરમાં ગયો હતો ને રાત્રે મોડો ઘેર આવ્યો હતો, વધારામાં કોઇ દિવસ નહિ પણ એ રાત્રે મુખીના છોકરાના વાદે સહેજ છાંટો પાણી કરીને આવ્યો હતો… ગંગાથી આ સહન ના થયું, બીજી જ પરોઢે કાનજીને છોડીને એ ચાલતી થઇ. ત્યાર પછી કાનજીએ ઘણા સંદેશા કહેવડાવ્યા,પણ ગંગા કોનું નામ ?? એ તો કહેતી હતી કે

” ઇ મારે ગામ આવી મારાં મા બાપ આગળ વચન આલે કે હવે કદી છાંટો પાણી  નંઇ કરે તો જ એ એનું ઘર માંડશે ”

સૂરજ ડૂબ્યા પછી કાળાં વાદળો છવાઇ જવાથી ઝટ અંધારુ થઇ ગયું. મેઘની ગડગડાટી થવા લાગી. મોસમનો પહેલો વરસાદ થઇ જાય એમ નક્કી હતું. કાનજીને ગંગા સાંભરી આવી…. ત્રણ ત્રણ મહિનાથી હાથે રોટલા ઘડી ઘડી એ કંટાળી ગયો હતો. જો કે ભૂલ એની હતી પણ ગંગા ય જાણે  કે હઠે ચઢી હતી. કંઇક નક્કી કરીને કાનજી બળદ છોડીને ઝડપથી ઘર તરફ ચાલી નીકળ્યો..ઝીણા ઝીણા  છાંટા  પડવા લાગ્યા હતા. ભીની ભીની માટીની સોડમ ફેલાઇ રહી હતી. તે મનમાં વિચારતો હતો,

” ભૂલ તો મારી જ છે, હાલને જઇને મારી ભૂલ કબૂલી લઇશ ને કદી નશો નહિ કરું એવું વચન આપીશ તો એ જરૂર પાછી આવશે”

કાનજીના ગામેથી રાત્રે સાતેક વાગે પસાર થતી એક બસ એની સાસરીના ગામે થઇને જતી હતી. કાનજી ઝડપભેર ચાલવા લાગ્યો. વરસાદ જોરથી પડવા લાગ્યો. વીજળી પણ જોરદાર ઝબૂકવા લાગી હતી. કાનજી ઘેર પહોંચ્યો ત્યારે એનું ઘર ખુલ્લુ હતું, વળી ઘરમાં લાઇટ પણ ચાલુ હતી…બાજુમાં રહેતાં ઝમકુમાએ તેને ટોક્યો,

” અલ્યા અત્યાર સુધી વરહાતમાં  શું કરતો હતો ?? આ ઘેર તો મેમાંન આયા સ , તારા ઘરની ચાવી મેં આલી છે તે ખોલીને માંય બેઠાં સ ”

આટલુ બોલી કાનજી વધારે કંઇ પૂછે એ પહેલાં ઝમકુમા ઘરમાં જતાં રહ્યાં.

કાનજીએ  બળદોને ખૂંટે બાંધ્યા, પછી ઘરમાં ગયો તો ઘર વાળી ઝૂડીને સાફ કરેલું હતું. રસોડામાં ગંગાને રોટલા ઘડતી જોઇ એ બોલી ઉઠ્યો,

” હાશ, બઉ હારુ કર્યુ તું આવી ગઇ તે, હું હમણાં આજ રાતની બસમાં તને લેવા આવવાનું નક્કી કરીને જ આયો સુ બોલ ? ” તે આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો…

પછી રોટલા ઘડતી ગંગાને ઉભી કરી તે ભેટી પડ્યો. ગંગાએ છણકો કર્યો ને કહ્યું,

” શું  તમે ય તે, બૈરાને મનાવતાં ય   નથી આવડતું  ?? ચેટલા દા’ડાથી તમારી વાટ જોતી’તી….”

એને આગળ બોલતી અટકાવી માતાજીના ગોખલા પાસે લઇ જઇ એના માથે હાથ મૂકી એ બોલ્યો,

” જીંદગીમાં કોઇ દિ હવે દારુને હાથ નહિ લગાડુ બસ, અને આ માતાજીના સમ ખઇને તને વચન આલું છું જા..”

બહાર વરસાદે જોર પકડ્યું…કાનજીની ગંગાને મળવાની ઝંખના, તો બીજી તરફ ગંગાનું સામેથી ચાલીને આવી જવુ……  વાહ, મોસમના પહેલા વરસાદે જ કાનજી અને ગંગાના જીવનની મોસમને જાણે  કે છલકાવી દીધી હતી.

 

  • અનંત પટેલ

 

anat e1526386679192

 

Share This Article