તને કેમ ભૂલાય  ???

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

” ફોન પર તારા માંદગીના સમાચાર મને મળ્યા.

ખૂબ દુ:ખ થયું. નોકરીના અઠ્ઠાવનમા વર્ષે મારી બદલી થતાં તારાથી  એક વર્ષ માટે છૂટા પડવાનું આવ્યું ત્યારે તારી જેમ હું ય ઘણો દુ:ખી હતો… પણ બઢતી સાથે બદલી મળી હોવાથી અને એને લીધે રીટાયરમેન્ટમાં પેન્શન ગ્રેજ્યુઇટીમાં સારો ફાયદો થશે એ ગણતરીથી આપણે  આ બદલી સ્વીકારવાનું નક્કી કર્યું.

લગ્નજીવનનાં પાંત્રીસ વર્ષ તારી સાથે વીતાવ્યા પછી તારાથી અલગ જીવવાનું આ એક વર્ષ મારે માટે  અસહ્ય થઇ પડ્યુ છે. મને હજી તારી એકે એક વાત યાદ છે,

દરરોજ સવારે છ વાગે તું મને જગાડતી. એ વખતે તું નાહી ધોઇને તૈયાર થઇ ગઇ હોય.. તારા હોઠ પર કોઇ ભજન તું ગણગણતી. મને બાથરુમમાં બ્રશ કરવાનું ગમે નહિ એ તું સારી રીતે જાણી ગયેલી એટલે બહાર ખુલ્લામાં તેં પાણીની  ડોલ, બ્રશ વગેરે તૈયાર રાખેલું જ હોય. હું બ્રશ પતાવી દઉં કે તરત ગરમા ગરમ ચા તેં ટેબલ પર તૈયાર રાખી હોય. પછી તરત નહાવા માટે જાઉં તો ત્યાં બધુ વ્યવસ્થિત જ હોય. મારે તારી પાસે કશું માગવાનું હોય જ નહિ. માગ્યા વગર જ તેં મને કેટલું બધુ આપ્યુ છે ??

મારી માંદગીના ચાર પાંચ પ્રસંગો મને યાદ છે. એ વખતે રાતોની રાતો જાગીને તું મારી સેવા કરતી. તેં હંમેશાં મારા સુખમાં જ તારુ સુખ માનેલુ. હું ઓફિસેથી આવું ત્યારે તું મને સ્મિત સાથે આવકારતી. કદાચ સંજોગોવશાત મારે મોડું થાય તો ય તારા મુખ ઉપર કંટાળાને બદલે સ્મિત જ જોવા મળતું. બાળકોના ઉછેરમાં ય તેં તારા મારા પ્રત્યેના પ્રેમમાં ઉણપ આવવા નથી દીધી. તને પામીને હું મારી જાતને ધન્ય માનું છું શોભના… ખરેખર તું મારા ઘરની શોભા  છે. બીજા દંપતિઓને આપણું જીવન જોઇને ઇર્ષ્યા થઇ છે, પણ એ તો એમનું એવું નસીબ, એમાં આપણે શું કરી શકીએ ??

ગઇકાલે જ મને તેં લખાવીને મોકલાવેલ ટપાલ  મળી છે, જીભનો લકવો પડી જવાથી તું ફોન પર વાત કરી શકે તેમ  નથી .  બંને પુત્રો નોકરી અર્થે બહાર છે, ઘરની ખેતીવાડીની અને ઢોરની દેખરેખ રાખવાની તારી કામગીરીમાં તને કુદરતે એક્દમ લકવાની ભેટ ધરી દીધી !!! હશે જેવાં આપણાં નસીબ…  તને લક્વો પડી ગયાના સમાચાર થી મને ઉંડો આઘાત થયો છે,

પણ સાથે સાથે જીવનમાં  જે તકની હું રાહ જોતો હતો તે મને મળી ખરી…. તેં મારી કેટલી બધી સેવા કરી છે ?? તારી માંદગીમાં  ય તેં અડધી રાત્રે ઉઠીને પણ મારું ધ્યાન રાખ્યું છે.. એટલે હવે તું સાજી થાય ત્યાં સુધી હું સતત તારી પાસે ને પાસે જ રહેવાનો છું.. કોઇને જે કહેવું તે કહે.. તારી સેવા  કરવાની મને તક આપવા બદલ હું તો ભગવાનનો આભારી રહીશ. જો કે તને પડી રહેલી તકલીફ મારાથી વેઠાશે નહિ પણ આ તો ઇશ્વરની મરજી હોય એમ આપણું જીવન ચાલે છે. એમાં કયાં મારુ કે તારું  કશું  ચાલવાનુ હોય છે ??

આમ તો મારી નિવૃત્તિને  હજુ ચાર મહિના બાકી છે પણ મારી પાસે માંદગીના કારણસર મળતી ઘણી બધી રજાઓ જમા પડી છે એટલે હું એ રજાઓ મંજુર કરાવીને બે ત્રણ દિવસમાં આવ્યો જ સમજજે.. તેં મારી જે સેવા કરી છે તેનો બદલો વાળવાની મને આ સોનેરી તક મળી છે તે કેમ જતી કરાય ?? તેં જે કંઇ મારા માટે કર્યુ  છે એને કેમ ભૂલાય ???

  • અનંત પટેલ


anat e1526386679192

 

 

Share This Article