દેરસે આયે પર દુરસ્ત આયે..

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

લગ્નને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં હતાં, રિયા અને મહેશનું દાંપત્ય જીવન ખાટી મીઠી નોક જોક સાથે અન્ય દંપતિઓની જેમ વહી રહ્યું હતું. પાંચ વર્ષમાં એક મઝાનો દીકરો પણ થયો હતો, રિયા પહેલાં મહેશ સાથે અને હવે દીકરા બંટી  જોડે એનો સમય આનંદથી પસાર કરતી હતી. બંટી હસમુખો અને જોતાં વેંત રમાડવાનું મન થઇ જાય તેવો હતો. મહેશને એક પ્રાઇવેટ કંપનીમાં વડોદરા નોકરી હતી, અને આ કંપનીમાં દર ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ હતો  પરંતુ મહેશને અપવાદ રૂપે અહીં પાંચમું વરસ ચાલી રહ્યું હતું એટલે રિયા અને મહેશ બંને ગમે ત્યારે આવનારી બદલીથી ચિંતિત હતાં, વળી રિયાને વડોદરા ખાતે બહુ સરસ ફાવી ગયું હતું એટલે એની ઇચ્છા  મહેશને  વડોદરાથી અપ ડાઉન કરી શકાય  એવા સ્થળે બદલી મેળવવાની હતી..

— જોઇએ હવે કુદરત શું કરે છે ?

— નસીબમાં સારુ લખ્યુ હોય તો સારું જ મળશે,એમ માનીને રિયા સારી સારી કલ્પનાઓ કરતી હતી..

— અને એ સિવાય બીજું તમે શું કરી શકવાના હતા ?

પણ બન્યુ કશુંક ઉલ્ટુ.. એક દિવસ મહેશે ઓફિસેથી ફોન કરી રિયાને જણાવ્યું કે તેનો  રાજકોટ ખાતે બદલીનો  ઓર્ડર થઇ ગયો છે..રિયા ભારે નિરાશ થઇ, એક ક્ષણને માટે તો એને આ કંપનીની નોકરી જ છોડી દેવડાવવાનું મન થઇ આવ્યું..પણ એમ કંઇ મહેશ થોડો એની વાત માની લેવાનો હતો ? ને એક જગાની નોકરી છોડી દઇએ તો તરત કાંઇ બીજી  નોકરી આપણે  માટે થોડી તૈયાર હોય છે ? વળી મહેશના કહ્યા મુજબ રાજકોટ જવાથી પગારમાં પણ સારો એવો વધારો થાય એમ હતું.. જો કે રિયાને  મહેશની બદલી  રાજકોટ  થવાથી જે ચિંતા ઉપજી હતી તેનું મુખ્ય કારણ કંઇક જૂદુ જ હતુ. એ મુખ્ય કારણ હતું છેલ્લા  એક વર્ષથી મહેશની રિયા પ્રત્યેની વર્તણૂંકમાં આવેલ પરિવર્તન. ગમે ત હોય પણ મહેશના રિયા પ્રત્યેના પ્રેમમાં જાણે ઓટ આવી હોય એવું રિયા અનુભવતી હતી. અને એની શંકાને સમર્થન આપે તેવી બે ચાર ઘટનાઓ પણ રિયાના ધ્યાને આવી હતી…

— એક વખત મહેશ એની ઓફિસની કોઇ યુવાન અને રૂપાળી છોકરીને સાથે લઇને મુંબઇ કંપનીની કોઇ મીટીંગમાં હાજરી આપવા ગયો હતો, — વડોદરામાં એક વાર મહેશ કંપની તરફ્થી યોજાયેલા વાર્ષિક સમારંભમાં ડિનર માટે રિયાને સાથે લઇ ગયેલો ત્યારે મહેશ કંપનીના લેડીઝ સ્ટાફ સાથે વધુ પડતો ભળી ગયો હતો અને વારે વારે હસી મઝાક કરતો જણાતો હતો..

— રિયાએ આવી બધી બાબતે એને ટોકેલો પણ  એણે  તો રિયાને આવી સ્ત્રી સહજ ઇર્ષ્યા વૃત્તિથી દૂર રહેવા અને બ્રોડ માઇન્ડ રાખવા સમજાવ્યું હતુ..

કાંઇ નહિ,  જે થવું હશે તે થશે એમ મનને મનાવીને રિયાએ મહેશને રાજકોટ ખાતે હાજર થઇ જવા દીધો. રિયાને વડોદરામાં એવું ફાવી ગયું હતું એ છોડીને રાજકોટ જવાની એની જરા ય ઇચ્છા નહ્તી..  મહેશ  પંદરેક દિવસ ગેસ્ટ હાઉસમાં  રહ્યો ને પછી એક ફ્લેટ ભાડેથી રાખી લીધો… શનિ રવિમાં રિયાએ સાથે જઇ મહેશનું ઘર સેટ કરી આપ્યુ. જમવાનું બહાર પેયિંગ ગેસ્ટમાં  ગોઠવ્યું…રિયા એને મૂકીને જરૂરી શિખમણ અને સલાહો આપીને વડોદરા આવી ગઇ… એકાદ માસ તો રિયાએ કાઢી દીધો..મહેશ દર અઠવાડિયે આવી જતો, તે છતાં રિયાને હવે મહેશની ગેરહાજરી સાલતી હતી. બંટી જે પાપાને સારી રીતે ઓળખી ચૂક્યો હતો તે પણ ઘણું હેરાન કરતો હતો.. મહેશે રિયાને રાજકોટ આવી જવા ઘણી સમજાવી પણ તે તૈયાર થતી જ નહતી. રાજકોટ પણ  રહેવાની મઝા આવે એવું શહેર છે એવું એણે રિયાને સમજાવવાના ઘણા પ્રયાસ કરેલા પણ એ ન જ આવી અને વધારામાં  એ તો મહેશને એક દોઢ વર્ષ રાજકોટ કાઢીને ફરીથી પાછો વડોદરા આવા જવાના આઇડીયા આપતી હતી….

આ રિયા જેને ઘણું સમજવવા છતાં રાજકોટ મહેશ સાથે રહેવા જવા તૈયાર ન થયેલી તેણે  બે માસ પછી એકાએક જ એનો નિર્ણય બદલી નાખ્યો ને ઝટપટ રાજકોટ જવા તૈયાર થઇ ગઇ,એટલું જ નહિ પોતાનો અને બંટીનો સામન લઇ રાજકોટ પહોંચી જ ગઇ.

—- તમને થશે એવો તો શો ચમત્કાર થયો ? કે

— રિયા એકદમ દોડતી રાજકોટ ભાગી ??

બન્યું ખાસ કંઇ ન હતુ, માત્ર જે યુવતી સાથે મહેશ એક વખત મુંબઇ  કંપનીની મીટીગમાં હાજરી આપવા ગયેલ તેની બદલી પણ રાજકોટ મહેશની ઓફિસમાં જ થઇ ગઇ હતી…!!!! અને ગયા અઠવાડિયે તે હાજર પણ થઇ ગઇ હતી. આ સમાચાર જાણતાં જ રિયા બીજું કશું વિચાર્યા વગર પતિની જોડે જ રહેવા આવી ગઇ..ખરેખર તો રિયાએ મહેશ જ્યારે રાજકોટ આવ્યો ત્યારે જ તેની સાથે આવી જવાની જરૂર હતી, વાંધો નહિ,

—  દેરસે  આયે પર દુરસ્ત આયે..

— સુબહકા ભૂલા શામકો ઘર લૌટે તો ઉસે ભૂલા નહિ કહતે..

હવે મહેશને પત્ની વિના જે કંઇ તકલીફો પડતી હતી  તે તો અવશ્ય દૂર થઇ જ જશે..

અનંત પટેલ

 


anat e1526386679192

Share This Article