મારા એક કોલેજ કાળના મિત્ર હમણાં મને મળી ગયા. કોલેજ પૂરી કર્યા પછી મને સરકારી નોકરી મળેલી ને એમણે એક ખાનગી કંપનીની નોકરી સ્વીકારી હતી. કંપની પ્રતિષ્ઠિત હતી તેમ જ પગાર પણ સારો આપતી હતી. અમે પરસ્પરનાં લગ્ન પ્રસંગોમાં મળ્યા પછી લગભગ સાતેક વર્ષ બાદ મળેલા તે હમણાં છેક પચીસ ત્રીસ વર્ષે મળી ગયા…. સ્વાભાવિક રીતે જ બે જૂના મિત્રો અને એમાંય પાછા સહાધ્યાયીઓ મળી જાય ત્યારે તેમના જીવનની લીલી સૂકીની જ વાતો કરવા લાગે,
— બાળકો ભાભી વગેરે શું કરે છે ??
— છોકરાઓ તો હવે પરણી પણ ગયા હશે ને નોકરી ધંધે પણ વળગી ગયા હશે..
— હવે તો કદાચ દાદા દાદી પણ બની ગયા હશો..??
— વહુઓ અને જમાઇ કેવા ક મળ્યા છે વગેરે વગેરે ..
આવી બધી વાતો કરી લીધા પછી મારા મિત્ર મગનલાલે એમની વહુની અજીબો ગરીબ વાત કરી, ચાલો ને તમને એ એમના શબ્દોમાં જ સંભળાવું;
” યાર સોમભાઇ, તમને તે શું વાત કરું ? મારા મોટા દીકરાની વહુ સંગીતા એવાં પગલાંની આવી છે ને કે ના પૂછો વાત, કદાચ એના આવ્યા પછી જ મારું નસીબ ખુલી ગયું, વરસોથી અટકાવેલું પ્રમોશન મને કંપનીએ ફટાક કરતું આપી દીધુ. પાછું પોસ્ટીંગમાં ય કશો ફેરફાર નહિ. એ તો ઠીક પણ બીજી એક ખાસ વાત કરું ને તો મને તો પહેલાંથી જે એવી બીક લાગેલી કે વહુના આવ્યા પછી અમારે ત્યાં સાસુ વહુના મોટા ડફાકા થવાના, પણ યાર એવું તો કશું ય બન્યુ જ નહિ…. તારા ભાભી ય એમનું સાસુપણું બતાડવા જાય પણ એમની જ હવા નીકળી જાય.. કોઇ વાતમાં કશી ખામી જ નહિ, વહુ પાછી શિક્ષિકાની નોકરી ય કરે પણ એની સાસુને કંઇ બોલવાનું કે કરવાનું થાય એવું કાંઇ બાકી રાખે જ નહિ..
—રસોડામાં કોઇ તકલીફ નહિ,
— ઘરમાં કરકસર એટલી કરવાવાળી કે તારા ભાભીએ એને ટોકવી પડે..
— કોઇ પણ વ્યવહારિક પ્રસંગ આવે તો એ બરાબરની તૈયાર જ હોય, ક્યાંય કશી ખામી આવવા જ ન દે,
— અલ્યા મારો છોકરો ય એવો જ રેડી બોલ, હું તો બસ જોયા જ કરું…
હું હવે તો નિવૃત્ત થઇ ગયો છું તો પણ મારા પૈસાને હાથ પણ ન અડાડવાનો… અલ્યા હું ને તારાં ભાભી તો મૂંઝાયા કરીએ છીએ કે આ વહુ અને દીકરાને ઠપકો આપવો તો કઇ બાબતનો આપવો ?? મને તો લાગે છે કે ભઇ મેં ગયા જનમમાં કાંઇક સારાં પૂણ્ય દાન કરેલાં છે તે આવો દીકરો ને વહુ અમને મળ્યાં છે..”
મારા મિત્રની આ વાત સાંભળી હું એને આજના અન્ય દરેક ઘરની સાસુ વહુની પરિસ્થિતિ સાથે સરખાવીને મૂલ્યાંકન કરવા લાગ્યો. મને આશ્ચ્રર્ય સાથે પ્રશ્ન થાય છે કે શું આવી પણ વહુ હોય ખરી?? હા, હોય જ ને ? શું કામ ન હોય ?? ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને કુંટુંબના બધાજ સભ્યોને જોવાનું રાખો તો…
- અનંત પટેલ