અમારા ગામમાં અમારી પડોશમાં રહેતાં કોદરીમાની સાથે મારો જીવ હળી મળી ગયેલો. એ સ્વભાવનાં ખૂબ જ માયાળુ હતાં . મને આ કોદરીમાના ઘેર એમની નણંદો મહેમાનગતિએ આવતી ત્યારે એ મોટી ઉંમરે પહોંચેલી હોવા છતાં એમનાં કોદરી ભાભીનું માન સંમાન જે રીતે સાચવતી એ જોઇને તાજુબી થતી, કેમ કે સામાન્ય રીતે નણંદ અને ભોજાઇ વચ્ચે શરુ શરુમાં તો સખિ ભાવ હોય છે પણ આગળ જતાં એમાં તિરાડો પડતી જ હોય છે અને એ તિરાડો એટલી બધી મોટી થતી જતી હોય છે કે ક્યારેક ભાઇ બહેન વચ્ચે પણ કટુતા ઉભી કરી દે છે.જ્યારે અહીંયાં તો કોદરીભાભીની ત્રણેય નણંદો જ્યારે પણ આવે ત્યારે ભાભીનો પડ્યો બોલ ઝીલી લે એટલું જ નહિ એમને રસોઇમાં ય મદદ કરે અને કપડાં વાસણ ધોવડાવવા પણ લાગી જાય… કોદરીમા એમને ના પાડે તો ય એ માને જ નહિ…
– એવું શું કારણ હશે કે આ નણંદ અને ભોજાઇ હળી મળીને જીવતાં હતાં ?
– આ તો વળી પચ્ચીસ ત્રીસ વરસ પહેલાં ની વાત કરું છું અને એ વખતે કોદરીમા અને તેમની નણંદો સાઇઠીએ પહોંચેલાં હતાં તો પણ એક મેક પ્રત્યે આટલો પ્રેમ શી રીતે દર્શાવી શકતાં હશે ?
– આની સામે આજની નણંદ ભોજાઇનાંતેવર આપણે સૌ જાણીએ છીએ અને અનુભવીએ છીએ….
આ બાબતના રહસ્યની મેં ઉંડી તપાસ કરેલી, ખૂબ સંશોધન કરેલું . કોદરીમા અને તેમના પતિ શંકરકાકા તેમ જ અન્ય વૃધ્ધપડોશીઓ સાથે આડકતરી રીતે આ અંગે વિગત જાણવાની કોશિશ કરી, તો જાણવા મળેલી હકીકતથી હું તો આશ્ચર્યચકિત થઇ ગયેલો ! કોદરીમા જ્યારે પરણીને સાસરે આવેલાં ત્યારે શંકરકાકાની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. વળી તેમની ત્રણ ત્રણ બહેનોની જવાબદારી શંકરકાકા ઉપર છોડીને તેમના પિતાજી ગુજરી ગયા હતા. કોદરીમાનું પિયર સધ્ધર હતું. તેમના પિતાજી કાકા-દાદા વગેરે જ્ઞાતિના આગેવાન અને સાધન સંપન્ન વ્યક્તિઓ હતા. કોદરીમાને એ ઘણી મદદ સહાય કરતા હતા.નાના મોટા દરેક પ્રસંગે એ કોદરીમાને ઘણું બધુ દાન કરતા હતા…કોદરીમા જ્યારે પિયરમાં ગયાં હોય ત્યારે તેમના પિતાજીને કાપડની દુકાન હતી તો એ એમને છ સાત સાડીઓ ભેટ તરીકે આપતા હતા તો કોદરીમા સાસરેથી આવીને એ સાડીઓ બળજબરીથી એમની ત્રણે ય નણંદોને જ પહેરાવતાં, જો કોઇ આના કાની કરે તો એ એમને સમ દઇ દઇને પણ પહેરાવતાં …..આ તો માત્ર સાડીનું જ ઉદાહરણ આપ્યું પણ એ સિવાય પણ કોદરી ભાભીનો હેતાળ હાથ એ ત્રણેય બહેનોના સાસરે ગયા પછી ય સદાને માટે તેમના માથા પર ફરતો જ રહેલો.
પોતાની કપરી આર્થિક સ્થિતિમાં કોદરીભાભીએ બતાવેલી દિલદારી એમની નણંદોએ પણ કાયમ યાદ રાખેલી. એ કંઇ થોડી નગુણી હતી ? એમની કોઠાસૂઝ પણ દાદ માગે તેવી હતી. જેવી ભાભી તેવી જ નણંદો પણ હતી .ખરેખર હું તો આ જાણીને તે વખતે જ ધન્ય ધન્ય થઇ ગયો હતો … મને હજુ ય આવી નણંદ ભોજાઇની શોધ છે, ક્યાંય જોવા મળે તો જણાવજોને ..
- અનંત પટેલ