ગુજરાત : બોર્ડની પરીક્ષાની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ હતી. પ્રથમ દિવસે સવારમાં ધોરણ-૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બપોરના ગાળામાં ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. આજે સવારે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ તો સમય કરતા પણ ખુબ પહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. તેમના દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સાથે તેમના માતાપિતા પણ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સવારમાં ખુબ ઉત્સાહિત દેખાતા હતા. બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ ગઇકાલે બુધવારના દિવસે  પુર્ણ કરી દેવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષા પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. પરીક્ષા દરમિયાન સ્કૂલ દ્વારા મોકલાતી સીસીટીવીની સીડી દરરોજ મોનિટરિંગ કરવા અધિકારીઓની ખાસ ટીમ તૈયાર કરાઇ છે. તો, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર વોચ રાખવા સરકાર દ્વારા પણ સમગ્ર વ્યવસ્થાતંત્ર ગોઠવી દેવાયું છે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આજે શરૂ કરવામાં આવ્યા બાદ હવે  ર૩ માર્ચ  સુધી ચાલનાર છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાથી આપી શકે તે માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે કુલ ૧૩૭ ઝોનમાં આવેલા ૧૬૦૭ કેન્દ્રો કે જેમાં ૫૮૭૪ બિલ્ડીંગોનો સમાવેશ થાય છે તેના ૬૩૬૧૫ પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાશે. બન્નેની આ પરીક્ષાઓમાં કુલ ૧૩૫ જેટલા વિષયોની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.  પરીક્ષાની કામગીરીમાં કુલ ૮પ,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત કરવામાં આવ્યા છે. આ બંને પરીક્ષાઓમાં કુલ ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ ૮૧ અને એચ.એસ.સી. માટે કુલ ૫૬ ઝોનની રચના કરવામાં આવી છે.  ધોરણ-૧૦ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહના પ,૩૩,૬૨૬ અને વિજ્ઞાન પ્રવાહના ૧,પ૭,૬૦૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે તે અંતર્ગત માર્ચ-૨૦૧૯ની પરીક્ષાઓ માટે ધોરણ-૧૦ના ૮૯ ધોરણ-૧૨ના ૩૬ મળી કુલ ૧૨૫ બંદીવાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ આપી રહ્યા છે.

ધોરણ-૧રના વિજ્ઞાન પ્રવાહના  વિદ્યાર્થીઓ ફીઝીકસ, બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પ્રેકટીકલ જ્ઞાન સારી રીતે મેળવી શકે તે માટે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.પ૦ લાખ વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાઓનો પહેલ રૂપ પ્રયોગ પણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાઓમાં ખાસ તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ પરીક્ષાઓના સ્થળ પર રાજય સરકારની સૂચનાથી જિલ્લાના વર્ગ-૧ તેમજ વર્ગ-રના અધિકારીઓ પરીક્ષાના ૩ કલાકના પુરા સમય માટે ઓબ્ઝર્વર તરીકે મૂકવાની વ્યવસ્થા અમલી બની છે. આ ઉપરાંત રાજયકક્ષાએથી અને જિલ્લાકક્ષાએથી તકેદારી ટુકડીઓની વ્યવસ્થાઓ પણ ગોઠવાયેલ છે.

રાજયના તમામ પરીક્ષા સ્થળો ખાતે અંદાજે ૬૩,૦૦૦ જેટલા પરીક્ષા ખંડો સી.સી.ટીવી. કવરેજથી સજજ રહેશે. જયાં સી.સી.ટીવી કેમેરાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી ત્યાં રાજય કક્ષાએથી અંદાજીત ૫૦૯ જેટલા ટેબલેટ મૂકવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ ભારે ઉત્સુક બનેલા છે. વાલીઓ પણ સજ્જ દેખાઇ રહ્યા છે.

Share This Article