મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં રેકૉર્ડબ્રેક ૧૭ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વલસાડ, નવસારી અને ડાંગની નદીઓ ગાંડીતૂર થઈ હતી. બોડેલીમાં ૨૦ ઈંચ વરસાદ બાદ ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયા. એમપીમાં છિંદવાડામાં પણ અવિરત વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
આ રાજ્યમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થવાની છે. ગઢચિરોલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ રત્નાગીરી, પાલઘર, પુણે, કોલ્હાપુર અને સાતારામાં ભારે વરસાદ પડી શકે છે. યુપી, બિહાર, એમપી, છત્તીસગઢ, ઝારખંડમાં પણ વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે ઉત્તરાખંડના હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ અને અલમોરા જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
કેરળમાં પાંચ દિવસનુ યલો એલર્ટ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.હાલમાં દેશમાં ચોમાસુ ચારે તરફ જામ્યુ છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રવિવારે રાત્રે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે આ રાજ્યોના ઘણા જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયુ હતુ. ગુજરાતના નવસારી, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદ થવાના પગલે અહીંના લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ પાણી ભરાવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ અસર અમદાવાદના પ્રહલાદપુર, આનંદનગર, જીવરાજપાર્કને થઈ છે જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.