ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના પશુપાલન, ડેરી અને ફીશરીઝ વિભાગ દ્વારા દેશી પશુ ઓલાદોના સંરક્ષણ અને સંવર્ધન માટે અમલી “રાષ્ટ્રીય ગોકુલ મિશન” યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ માટે વિવિધ કેટેગરીનાં એવોર્ડની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. દેશના પશ્ચિમ ઝોનમાં વિવિધ કેટેગરીમાં જાહેર થયેલ એવોર્ડમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. જેમાં ગુજરાતને કુલ ૦૯ (નવ) એવોર્ડ પ્રાપ્ત થયા છે.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ એવોર્ડ (રાજય સરકારના પશુપાલન ખાતાની આ યોજના સંબંધિત કામગીરીને ધ્યાને રાખીને અપાયેલ એવોર્ડ)ની કેટેગરીમાં ગુજરાતને દ્વિતીય એવોર્ડ મળયો છે. બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ એવોર્ડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાનનાં વિજેતાઓને અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૨૧ હજાર અને રૂ.૧૧ હજારની રોકડ રકમ (ચેક), સર્ટીફીકેટ અને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતને દ્વિતિય સ્થાન મળેલ હોઇ સ્મૃતિ ચિન્હ, સર્ટીફીકેટ તેમજ રૂા.૨૧૦૦૦નો ચેક ભારત સરકારના કૃષિ મંત્રીના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય કામધેનુ એવોર્ડ (સંસ્થાકીય એવોર્ડ)ની કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન એમ ત્રણેય એવોર્ડ ગુજરાતની ગૌશાળાઓને મળ્યા છે. જેમાં પ્રથમ સ્થાને પુરૂષાર્થ ટ્રસ્ટ, હળવદ, જિ-મોરબી; દ્વિતીય સ્થાને શ્રી સ્વામીનારાયણ, ગૌશાળા, પેથાપુર, જિ-ગાંધીનગર અને તૃતીય સ્થાને શ્રી હરિ સત્સંગ સેવા ટ્રસ્ટ, કુંડળ, જિ.-બોટાદનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કામધેનુ એવોર્ડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાનનાં વિજેતાઓને અનુક્રમે રૂ.૫.૦૦ લાખ, રૂ.૩.૦૦ લાખ અને રૂ.૧.૦૦ લાખની રોકડ રકમ (ચેક), સર્ટીફીકેટ અને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ (વ્યક્તિગત એવોર્ડ)ની કેટેગરીમાં દ્વિતિય અને તૃતિય સ્થાન એમ બે એવોર્ડ રાજ્યના પશુપાલકોને મળ્યા છે. જેમાં દ્વિતીય સ્થાને સુરતના પિયુષભાઈ જે. પટેલ જ્યારે તૃતીય સ્થાને વૈભવભાઈ બી. પટેલનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાનનાં વિજેતાઓને અનુક્રમે રૂ.૫.૦૦ લાખ, રૂ.૩.૦૦ લાખ અને રૂ.૧.૦૦ લાખની રોકડ રકમ (ચેક), સર્ટીફીકેટ અને મોમેન્ટોથી નવાજવામાં આવ્યા છે.
બેસ્ટ એ.આઈ. ટેકનીશીયન એવોર્ડ (કૃત્રિમ બીજદાનની કામગીરી કરતા કર્મચારી)ની કેટેગરીમાં રાજ્યના ત્રણ કર્મચારીને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં રામચંદ્ર પુરુષોત્તમભાઈ પટેલ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, જિ. બનાસકાંઠા; મૌલિકકુમાર પ્રહલાદભાઈ પટેલ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, જિ. મહેસાણા અને કાન્તીભાઈ નાથુભાઈ પ્રજાપતિ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, જિ. અરવલ્લીનો સમાવેશ થાય છે. બેસ્ટ એ.આઈ. ટેકનીશીયન એવોર્ડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાનના વિજેતાઓને અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૨૧ હજાર અને રૂ.૧૧ હજારની રોકડ રકમ (ચેક), સર્ટીફીકેટ અને મોમેન્ટોથી નવાજવામાં આવેલ છે. એ.આઈ. ટેકનીશીયન એવોર્ડનાં પ્રથમ સ્થાન પર ત્રણ વિજેતાઓ હોઈ રોકડ રકમ ત્રણ વિજેતાઓને સરખે ભાગે વહેંચવામાં આવી છે.