અમદાવાદ: ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રજનીશ રાયે આજે અચાનક રાજીનામું ધરી દેતાં સોહરાબુદ્દીન કેસ બાદ ફરી એકવાર તે મોટી ચર્ચામાં આવ્યા છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડી.જી.વણઝારા, રાજકુમાર પાંડિયન સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇ જારદાર ખળભળાટ મચાવી દીધો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસથી ચર્ચામાં આવેલા આ આઇપીએસ અધિકારીએ વીઆરએસ માટે અરજી કરી દીધી છે. ૧૯૯૨ ગુજરાત કેડરના આ આઇપીએસ રજનીશ રાય હાલ આંધ્રપદેશના ચિત્તુરમાં સીઆરપીએફમાં કાર્યરત છે.
જો કે આ અરજી પર હજી નિર્ણય બાકી છે. જા કે આ અહેવાલ અંગે હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રજનીશ રાય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ તે પહેલા વણઝારા, રાજકુમાર પાંડિયન તેમજ તે સમયે ઉદેપુરના દિનેશ એમ.એન.ની ધરપકડ કરીને જબરદસ્ત ચર્ચામાં આવ્યા હતા. રજનીશ રાય વર્ષ ૨૦૧૪થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા, જ્યારે તેમની પત્ની વત્સલા વાસુદેવા પણ સરકારમાં (આઈએએસ) ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. આઈપીએસ અધિકારી રજનીશ રાય એક એવા પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે, જેમણે ભૂતકાળમાં ગુજરાતના નકલી એન્કાઉન્ટરના કેસોની અંદર ઘણા પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી હોવાથી જે તે સમયે રાજ્ય સરકારની આંખે ચઢ્યા હતા.
પરિણામે તેમની વારંવાર બદલીઓ પણ કરવામાં આવી હતી. ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને એડીજીમાં બઢતી આપવામાં આવી ન હતી. આઈપીએસ રજનીશ રાયને બઢતી આપવી હોય તો તેમને ગુજરાત કેડરમાં પાછા લાવવા પડે અને એડીજીમાં પણ બઢતી આપવી પડે, આ બઢતી નહીં આપવા માટે જ તેમને ચાર્જશીટ અપાઈ હતી. રજનીશ રાય સોહરાબુદ્દીન તેમજ તુલસીરામ પ્રજાપતિ બોગસ એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના સીનિયર આઇપીએસ અધિકારીઓની ધરપકડ કરી પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. બાદમાં આ કેસોની તપાસ તેમની પાસેથી લઈને પૂર્વ આઈપીએસ ગીતા જોહરીને સોંપી દેવામાં આવી હતી.
રજનીશ રાયના પત્ની વત્સલા વાસુદેવ ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી છે. બે વર્ષની રજા બાદ હાલમાં જ તેમણે સર્વિસ જોઈન કરી છે, અને તેમને તાજેતરમાં જ ઊર્જા વિકાસ નિગમમાં નિમણૂંક અપાઈ છે. રજનીશ રાયના વીઆરએસના નિર્ણયને લઇ ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે. બઢતીથી વંચિત રખાયા હોવાના કારણે તેમણે આવો નિર્ણય લીધો હોવાની અટકળો અને ચર્ચાએ પણ જાર પકડયું છે. રજનીસ રાયના મામલામાં પોલીસ બેડામાં દિવસ દરમિયાન ચર્ચાઓનો દોર ચાલ્યો હતો.