હું સીવણક્લાસ ચલાઉં છું. મને નવા નવા ડ્રેસ બનાવવા અને પહેરવાનો બહુ શોખ છે, પણ મારી લાઈફ સ્ટાઈલ ખૂબ સરળ છે. મારે ઘરમાં કે બહાર એવી કોઈ જગ્યાએ જવાનું થતું નથી જ્યાં હું મારા ડિઝાઈનર ડ્રેસ પહેરી શકું. મારા પતિ બીપીઓમાં કામ કરે છે. તેમની શિફ્ટ બદલાતી રહે છે. તેમની સાથે દસથી પણ વધારે છોકરીઓ કામ કરે છે. ક્યારેક તે બધાને નાઈટ શિફ્ટમાં પણ કામ કરવું પડતું હોય છે. દસ કલાક તેઓ આ કોલ સેન્ટરની મોર્ડન છોકરીઓની વચ્ચે જ રહે છે. શરૂઆતમાં મને ખૂબ ખુશી થતી કે તેઓ એક એવા વાતાવરણમાં નોકરી કરે છે જ્યાં યુવતીઓને તેમની લાઈફ જીવવાની સ્પેસ આપવામાં આવે છે. જ્યાંના પુરુષો તેમની સ્વતંત્રતાને સમજી શકે છે અને સહજતાથી લે છે. સમય જતો ગયો તેમ તેમ મારી આ ભ્રમણા તૂટતી ગઈ. જે પતિ આખો દિવસ આ બધી કલીગ યુવતિઓનાં ડ્રેસનાં વખાણ કરતા થાકતા નહોતા તે મને સ્લીવલેસ ડ્રેસ પહેરવાની પણ ના પાડી રહ્યાં હતા. તેમનું માનવું છે કે સારા ઘરની સ્ત્રીઓએ આમ બીજા સામે અંગપ્રદર્શન ન કરવું જોઈએ. મારા પતિ જે બીજાને બાહ્ય રીતે ખૂબ મોર્ડન લાગે છે તે મારા માટે સાવ વિપરીત છે. તેમણે લગ્ન માટે મને પસંદ કરી કેમકે હું ખૂબ જ ગોરી અને રીપાળી છું. મારા સૌંદર્ય પર તે મોહી ગયા હતા. લગ્ન પછી મને ખબર પડી કે તેઓ એવુ માને છે કે તારી ખૂબસુરતી પર માત્ર મારો જ હક છે, અન્ય કોઈને તે દેખાડવાની જરૂર નથી. હું ગમે તેટલા સ્ટાઈલીશ ડ્રેસ બનાઉ તો પણ તે મને પહેરવા નથી દેતા. ઘરે કામ કરતા રામુની સામે પણ મને દુપટ્ટા વગર ફરવાની છૂટ નથી. આ જ હસબન્ડને તેમનાં ઓફિસની છોકરીઓ વખાણે છે કે સર ખૂબ મોર્ડન છે. મને તેમનું આ ડબલ સ્ટાન્ડર્ડ સમજાતુ નથી. મેં ઘણીવાર તેમનાં મોબાઈલમાં હીરોઈનનાં આડાઅવળા પોઝ આપેલા ફોટા જોયા છે.
કોઈ એક વ્યક્તિ જે ઘરની સ્ત્રી માટે અલગ માનસિકતા ધરાવતુ હોય અને અન્ય સ્ત્રીઓ માટે અલગ તો તેને શું કહેશો…? આ આખી વાત જ્યારે મેં તેમનાં ફ્રેન્ડને કહી તો તેમણે મારા પતિને પૂછ્યુ કે તુ ભાભીને કેમ છૂટ નથી આપતો…ત્યારે તે કહે છે કે બહારની છોકરીઓ માટે અલગ વાત છે અને ઘરની આઈટમ તો આપણા માટે જ હોય છે, તે થોડી લોકોને દેખાડવા માટે હોય છે. …
તો આજે જ્યારે મને આ મંચ મળ્યુ છે જ્યાં હું પુરુષો વિશેનાં મારા વિચારો વ્યક્ત કરી શકું…ત્યારે મને માત્ર એટલુ જ કહેવુ છે કે જે પુરુષો મારા પતિ જેવા જ વિચારો ધરાવે છે તે તમામનાં મૂળમાં ઘડતરની જ અભણતા રહેલી છે.
લિ. મધ્યમવર્ગની પત્ની …વધુ આવતા અંકે…
- પ્રકૃતિ ઠાકર