” યત તત આચરતિ શ્રેષ્ઠ: તત તત એવ ઇતર: જન:II
સ: યત પ્રમાણમ કુરુતે લોક: તત અનુવર્તતે II ૩/૨૧II “
અર્થ –
” શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનુ બીજા અનુંકરણ કરે છે, તે જેને પ્રમાણ કરે છે તેને જ લોકો અનુંસરે છે. ”
દુનિયામાં આપણે ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળીએ છીએ, ક્યારેક એવું ક્યાંક વાંચીએ પણ છીએ કે ભાઇ જીવનમાં જો આગળ આવવું હોય તો મોટાઓને અનુસરજો. મોટા લોકો જે રીતે જીવન જીવ્યા હોય તે રીતે જીવન જીવશો તો તમને કંઇ તકલીફ પડશે નહિ. આવુ ભગવાને કહ્યું છે એવું પણ લોકો સમજાવતા હોય છે. અહીં આપણે સૌએ એક વાત ધ્યાનથી જોવાની છે કે ભગવાને તો શ્રેષ્ઠ લોકોના આચરણની વાત કરી છે, મોટા લોકોની નહિ. આપણે જેને મોટા ગણીએ છીએ તે શું ખરેખર શ્રેષ્ઠ છે ખરા ?
કોઇ શેઠ કે ઉધોગપતિ કાળાં ધોળાં કરીને લાખો કરોડો કમાયો હોય તો કદાચ ધનિક તરીકે ની વ્યાખ્યામાં એ મોટો માણસ કહી શકાય, પણ એને શ્રેષ્ઠ નહિ કહી શકાય. શ્રેષ્ઠ તો એ વ્યક્તિને કહેવાય જેની રહેણી કરણી એક સમાન હોય, તેમાં સાત્વિકતા હોય, અન્યના કલ્યાણની જ ભાવના હોય, નિસ્વાર્થ વૃત્તિ તરવરતી હોય ને ભ્રષ્ટાચારી પણ ન હોય, આવા મહાપુરુષોને શ્રેષ્ઠ કહી શકીએ. આવાં તો ઘણાં નામ આપણે ગણી શકીએ છીએ. પુરાણોમાંથી ઉત્તમ રાજા મહારાજાઓને લઇ શકીએ, શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, લેખકો, કવિઓ, વિચારકો, દેશને માટે બલિદાન આપનારા મહાન શહીદો અને વર્તમાન સમયમાં પણ ઘણા બધા સંતો મહંતોનાં જીવન ચરિત્રો વાંચી, સમજી વિચારી તેમની શ્રેષ્ઠતાને અનુંસરીએ તો તેનો ચોક્કસ આપણને ફાયદો થતો જ હોય છે. આ શ્ર્લોકમાં જે મહત્વની વાત છે તે એ છે કે જે શ્રેષ્ઠ હોય છે તેને જ જગત અનુસરે છે, માટે દરેકે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો અને જો શ્રેષ્ઠ બનવાનું ન આવડે તો સાચા ગુરુને શોધી તેમની સલાહ લઇ શ્રેષ્ઠ લોકોને અનુસરી શકાશે.
અસ્તુ.
- અનંત પટેલ