SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

ગૌતમ અદાણીએ એ તમામ આરોપોને "લક્ષિત હુમલા"ના ભાગ તરીકે લેખાવ્યા હતા. વૈશ્વિક ચકાસણી છતાં કામગીરીની ગતિ જાળવી રાખવા બદલ તેમણે જૂથના કર્મચારીઓની પ્રશંસા કરી હતી.

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વડોદરા: હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના પોર્ટ્સ-ટુ-એનર્જી સમૂહ માટે વ્યૂહાત્મક પરિવર્તનની જાહેરાત કરી છે. અદાણી જૂથ હવે નવીનતાને વેગ આપવા, પારદર્શિતા વધારવા અને લાંબા ગાળાની અસર માટે નિર્માણ કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

ગૌતમ અદાણીએ સ્ટાફને આપેલા એક સંદેશમાં જણાવ્યું હતું કે ”બે વર્ષ કરતા વધુ સમયથી આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે. જાન્યુઆરી 2023 થી હિંડનબર્ગ રિપોર્ટમાં સમાવિષ્ટ તમામ આરોપોને નકારી કાઢતી સેબીની વ્યાપક તપાસ હવે પૂર્ણ ચૂકી છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ અનિયમિતતાઓ, સ્ટોકના ભાવમાં હેરાફેરી અને અપારદર્શક ઓફશોર એન્ટિટીના ઉપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપોને કારણે અદાણીની લિસ્ટેડ કંપનીઓને અસર પહોંચી હતી, એક સમયે બજાર મૂડીકરણમાં USD 150 બિલિયનથી વધુનું ધોવાણ થયું હતું. જોકે અદાણી ગ્રુપે સતત આ આરોપોને નકારી કાઢ્યા હતા, અને સેબીના તાજેતરના આદેશોમાં જૂથ દ્વારા તેના લિસ્ટેડ યુનિટ્સમાં ભંડોળ રૂટ કરવા માટે સંબંધિત-પક્ષ વ્યવહારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ગૌતમ અદાણીએ એ તમામ આરોપોને “લક્ષિત હુમલા”ના ભાગ તરીકે લેખાવ્યા હતા. વૈશ્વિક ચકાસણી છતાં કામગીરીની ગતિ જાળવી રાખવા બદલ તેમણે જૂથના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જૂથની સ્થિતિસ્થાપકતા પર પ્રકાશ પાડતા નોંધ્યું હતું કે ચકાસણીના સમયગાળા દરમિયાન પણ મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ પ્રગતિ કરતા રહ્યા છે.

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે “જ્યારે દુનિયા અમારા વિશે ચર્ચા કરતી હતી, ત્યારે અમારા બંદરોનો વિસ્તાર થયો, ટ્રાન્સમિશન લાઇનોનો વિસ્તાર થયો, પાવર પ્લાન્ટ વિશ્વસનીય રીતે ચાલ્યા, નવીનીકરણીય પ્રોજેક્ટ્સ વિશ્વને હરિયાળું બનાવતા રહ્યા, એરપોર્ટ્સ આગળ વધ્યા, સિમેન્ટ ભઠ્ઠીઓ ચાલુ રહી અને લોજિસ્ટિક્સ ટીમોએ દોષરહિત ડિલિવરી કરી.” તેમણે ભાર મૂકતા જણાવ્યું હતુ કે કંપનીએ કોઈપણ જાતના દબાણ હેઠળ આવ્યા વિના તેનું પર્ફોર્મન્સ અતૂટ જાળવી રાખ્યું છે.

ગૌતમ અદાણીએ ભવિષ્યની પ્રાથમિંકતાઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, હવે પારદર્શિતા, નવીનીકરણ, લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ અને પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે જૂથની કામગીરીના પાયા તરીકે અખંડિતતા અને પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. જૂથની અન્ય પ્રાથમિકતાઓમાં ઊર્જા, લોજિસ્ટિક્સ અને માળખાગત સુવિધાઓમાં નવીનીકરણને વેગ આપવો અને દાયકાઓ સુધી ટકી રહે તેવો વારસો બનાવવાની પણ તેમણે વાત કરી હતી, .

ગૌતમ અદાણીએ કર્મચારીઓને પરિવર્તન સ્વીકારવા હાંકલ કરી હતી. તેમણે ઉથલપાથલ દરમિયાન તેમના કર્મચારીઓના સમર્થન બદલ આભાર માન્યો અને તે વિવાદને ‘અગ્નિપરીક્ષા’ ગણાવી. તેનાથી જૂથના પાયાને અને સંકલ્પને મજબૂત બનાવ્યો હોવાની વાત પણ કરી હતી.

સેબીની ક્લીનચીટથી અદાણી જૂથ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. અદાણી જૂથની કંપની બંદરો, વીજળી, નવીનીકરણીય ઊર્જા, સિમેન્ટ, એરપોર્ટ અને લોજિસ્ટિક્સમાં ફેલાયેલી છે. બજાર વિશ્લેષકો માને છે કે નિયમનકાર દ્વારા કેસ બંધ કરવાથી મોટા ઓવરહેંગ દૂર થાય છે અને જૂથને સસ્તા વૈશ્વિક ધિરાણની ઍક્સેસ ફરીથી મેળવવામાં મદદ મળી શકે છે.

ગૌતમભાઈએ તેમના સંદેશને દાયકાઓ સુધી ટકી રહે તેવા વારસાનું નિર્માણ કરવાની હાકલ સાથે સમાપ્ત કર્યો હતો. તેમણે કર્મચારીઓને અદાણી જૂથની ગાથા હિંમત, દૃઢતા અને માતૃભૂમિ ભારત પ્રત્યેના સમર્પણ ભાવ માટે ઊભી રહે તેવી અપીલ કરી ‘સત્યમેવ જયતે અને જય હિંદ’ સાથે સમાપન કર્યુ હતું.

Share This Article