ગમતાનો કરીએ ગુલાલ
“આગ હૈયામાં બળે તો શું થયું,
આંખની પાસે ઘણો વરસાદ છે. ”
– સુશ્રી મીરાં આસીફ
મીરાં આસીફની ગઝલનો આ શેર છે. શાયર કહે છે, હ્રદયમાં- દિલમાં આગ બળે છે, આ આગ કોઇના વિરહની હોઇ શકે છે, કોઇના શબ્દોથી લાગેલા દુ:ખની પણ હોઇ શકે છે, અથવા તો પોતાની ઇચ્છા મુજબનું કશુંક નહિ બનવાથી હ્રદયમાં જે આઘાત કે દુ:ખ થાય છે તેને સંબંધિત હોઇ શકે છે. આમ કવિના દિલમાં તો આગ લાગી છે પણ પોતાની આંખો પાસે વરસાદનો સાથ હોવાનું એક મોટું આશ્વાસન પણ છે. આગ લાગી હોય તો તેને બુઝાવવા પાણીની જરૂર પડે છે. અહીં દિલમં લાગેલી આંખ સામે આંખ પાસે વરસાદ હોવાનો કવિને સધિયારો છે. જીવનમાં એક તરફ દુ:ખ કે વેદના હોય છે તો તેને ઘટાડવા અથવા તો તેવા સમયે સાથ આપવા માટે કોઇનું કોઇ હોય જ છે, તે વાત સ્વીકારીને જીવીએ તો જીવનમાં ગમે તેટલા મોટા આઘાત કે આંચકા આવ્યા હોય તો ય તેને પચાવી શકવાની સમર્થતા આવી મળે જ છે. કવિએ અહીં આંખ પાસે વરસાદ છે કહીને આંખેથી ટપકતાં અશ્રુનો સંકેત પણ કરેલો છે. દુ:ખના સમયે વ્યક્તિ પોતાના કોઇ પ્રિયજન પાસે કે ઇશ્વરની પાસે જઇ બે ચાર આંસૂ વહાવી દે તો ય એના દુ:ખનો ભાર હળવો થઇ જાય છે. આ શેરમાં કવિએ બીજો એક ગુપ્ત સંદેશ પણ પાઠવ્યો છે કે મનમાં ગમે તેટલો અજંપો કે ઉચાટ હોય તો પણ માણસે ગભરાવું જોઇએ નહિ. દરેક વ્યક્તિની આંખ પાસે તેના હ્રદયમાં લાગેલી અગનને બુઝાવવા માટે અશ્રુનો વરસાદ હોય છે તે રૂપક દ્વારા વ્યક્તિની પોતાની પાસે જ પોતાની પીડા દૂર કરવાનો કે ઘટાડવાનો ઉપાય હોય છે તે સમજાવ્યું છે.
– અનંત પટેલ