ગમતાનો કરીએ ગુલાલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

            ” જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
           ફૂલની  શૈયા  ગણી  અંગાર પર હસતો રહ્યો.
           ઓ મુસીબત !  એટલી  ઝિંદાદિલીને  દાદ દે,
            તેં ધરી  તલવર તો હું ધાર પર  હસતો રહ્યો.
                            – શ્રી જમિયતપંડ્યા “જિગર “

      આ શેરમાં મુશ્કેલીઓને હસતે મુખે સ્વીકારી લેવાની વાત ખૂબ જ સરળ રીતે કરેલ છે.

વિસ્તૃત રીતે જોઇએ તો શાયર  જીત એટલે કે  વિજય ઉપર હસ્યા છે ને હાર  ઉપર પણ હસ્યા છે. કોઇ પણ વ્યક્તિને માટે વિજય થવો એ આનંદની ઘટના છે. જીત કે વિજયનો વિજયોત્સવ મનાવવો એ ખૂબ જ સહજ છે. પણ કવિ તો અહીં હાર ઉપર પણ હસતા રહ્યા છે. સ્પર્ધામાં કે જીવનમાં જ્યાં પણ તેમનો પરાજય થયો છે ત્યાં એ પરાજય કે હારથી નિરાશ થયા નથી, હિંમત હારી ગયા નથી, પરંતુ તેના ઉપર પણ તે હસ્યા છે. આમ હારને પણ ખેલદિલીથી સ્વીકારવાની તેમની માનસિકતા છે. હાર થવાથી ગભરાઇને બેસી જઇએ તો જીવનમાં  આગળ જઇશકાતું નથી. આપણાં ધ્યેય કે નિશ્ર્ચિત  કરેલાં કર્મ અધૂરાં જ રહી જાય છે. આવું ન બને તે માટે કવિ હારને પણ હસીને સ્વીકારવાનો બોધ આપે છે.

આગળ કવિ કહે છે કે, જીવનમાં અંગારા આવ્યા, એટલે કે સંકટ આવ્યું, મુશ્કેલીઓ આવી, વિપત્તિ આવી તો તેને પણ ફૂલની જેમ સ્વીકારવાનું કવિ સમજાવે છે. અંગારાને કવિ અંગારા તરીકે લેવાના બદલે ફૂલોની સુંવાળી પથારી ગણી લેવાનું જણાવે છે, તેઓ તો મુસીબતને પણ  પડકાર ફેંકે છે કે તું મારી જિંદાદિલીને વધાવી લે , કેમ કે તેં મને તલવારની ધાર જેવી મુશ્કેલીઓ આપી તો પણ હું હિંમત હારવાને બદલે તેને આનંદથી સ્વીકારીને હસતો રહ્યો છું. આમાંથી આપણે એવો બોધ લેવાનો રહે છે કે , વ્યક્તિએ જીવનમાં કોઇપણ ક્ષેત્રમાં હાર મળે , નિરાશા મળે તો તેનાથી ડરવાનું નથી. જે ધ્યેય હાંસલ કરવું છે તે હાંસલ કરવાના માર્ગમાં  અંગારારૂપી કે કંટકોરૂપીમુશ્કેલીઓ મળે તો તેનાથી પણ ગભરાવાનું નથી અને તે મુશ્કેલીઓને ફૂલની જેમ હિંમતથી સ્વીકારીને આગળ વધવાનું છે. જો આપણે આવનારી મુશ્કેલીને સહજતાથી સ્વીકારીને હસતાં હસતાં આગળ વધશું ને આપણો પુરુષાર્થ ચાલુ જ રાખશું તો આપણને બધા જ ક્ષેત્રમાં અચૂક સફળતા મળશે જ.

  •  અનંત પટેલ

anat e1526386679192

Share This Article