ગમતાનો કરીએ ગુલાલ    

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 ” ઔર ક્યા દેખનેકો બાકી હૈ,
 આપસે દિલ લગાકે દેખ લિયા “
        – ફૈજ અહમદ ફૈજ


  આપણા ખૂબ જ વિખ્યાત શાયરશ્રીનો આ શેર મહેબૂબા તરફથી મળેલી ચોટ સંબંધી વાત કહી જાય છે. આપણે સામાન્ય વાત ચીતમાં ઘણી વાર એવું બોલતા હોઇએ છીએ કે આ દુનિયામાં ઘણું બધું જોવા જેવું છે. સમય  કાઢીને અથવા તો યોગ્ય તક મળે ત્યારે આપણે દુનિયાની સારામાં સારી ચીજો, સ્થળો , સુંદર વ્યક્તિઓ અને કુદરતી સૌન્દર્યના નઝારા માણી લેવા જોઇએ. એટલે તો આપણે નિવૃત્ત થયેલા વડીલોને ક્યારેક એવું ય કહેતા હોઇએ છીએ કે હવે નિવૃત્ત છો તો દુનિયામાં ફરી આવો તીરથ યાત્રા પણ કરી આવો, જીવનમાં જે કાંઇ જોશો એ જ તમારી સાથે આવશે. બાકી બધુ અહીં જ રહી જવાનું છે. અહીં આ શેરમાં  કવિએ જે વાત કરી છે તે તે એમને એમની માશૂકાએ કરેલી બેવફાઇ સંદર્ભમાં છે. તેઓ માશૂકાને સંબોધીને કહે છે કે

           ” મેં દુનિયામાં બધું જોઇ લીધું છે એક તને અને તારા પ્રેમ કે તારી યારીને જોવાની બાકી હતી તે પણ  તારામાં દિલ લગાડ્યા પછી જોવાઇ ગયું છે, હવે આ દુનિયામાં મારે કશું જ જોવા જેવું રહ્યું નથી.”

આમાંથી નીચે મુજબના અર્થ તારવી શકાય,

– મહેબૂબા અથવા સનમ સાથે હોય તો જ દુનિયા જોવાની મઝા છે

– શાયરને જ્યારે ઇશ્ક થયો ત્યારે એમને લાગ્યું હશે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આવી સુદર દિલરૂબા મળી છે

– પરંતુ એ મહેબૂબાએ એમનો સાથ છોડી  દીધો છે તેથી એ ભારે નિરાશા અનુભવી રહ્યા છે એટલે એવું કહે છે કે તેનામાં  દિલ લગાડવામાં મારે બધું જ જોવાઇ ગયું.

– કદાચ મહેબૂબાએ  જાતે એમને ન તરછોડ્યા હોય પણ કુદરતે એને શાયર પાસેથી છીનવી લીધી હોય..એવું પણ બની શકે છે..

દરેક મનુષ્યને દુનિયા જોવાની કંઇક કરી બતાવવાની તમન્ના અને હોંશ હોય છે જ પણ જો એને આવી કોઇ જબર દસ્ત ચોટ વાગે તો તે પછી એ એની હિંમત ગુમાવી બેસે છે એને જીવનમાં પણ કશો રસ રહેતો નથી . એ પોતે એકલો બની જાય છે. શાયરે કદાચ આવા પોતાના ભાવોને આ શેરમાં સહજ રીતે અને સરળ શબ્દોમાં મૂક્યા  છે. પ્રેમની નિષ્ફળતા ના ભાવોને કવિએ સુંદર અને વ્યંગપૂર્ણ રીતે રજુ કરેલ છે.

  •     અનંત પટેલ

anat e1526386679192

Share This Article