ગમતાનો કરીએ ગુલાલ    

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 ” કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું  ‘મરીઝ
પોતે ન દે,  બીજા  કને  માગવા  ન દે !!!! “
                                       — મરીઝ

            શાયરે ખુદા અર્થાત ભગવાન પર પણ કંટાળો વ્યક્ત કર્યો છે. કવિ કહે છે કે તે ભગવાન પાસે ઘણું બધું માગે છે પણ ભગવાન તેમાંનું કશું તેમને આપતા નથી. એ ના આપે તો એની સામે કવિને એટલો બધો વાંધો પણ નથી પરંતુ ભગવાન કવિને એ જ ચીજો કે સેવાઓ અન્ય કોઇ વ્યક્તિ પાસે માગવા ની પણ મનાઇ કરે છે તેનો ખાસ વાંધો છે. દરેક ધર્મમાં બીજા પાસેથી મફતમાં માગીને લેવાની કે ખાવાની વૃત્તિઓને પોષવામાં આવતી નથી એ ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કવિ આ વાતને વ્યંગ  સ્વરૂપે લઇ ભગવાનને લડતા હોય તેવું લાગે છે.

” ભાઇ આટલી મારે જરૂરિયાત છે તે તું કાં તો પૂરી કર અથવા મને  એને માટે અન્ય તરફ હાથ લંબાવવાની છૂટ આપ.તેં એવા નિયમ બનાવ્યા છે કે કોઇની પાસેથી માગીને ખાવું નહિ, કોઇની દયા કે ધરમ પર જીવવા કરતાં ભૂખ્યા સૂઇ જવું ઉત્તમ. ”

સંસારમા કેટલાક કહેવાતા નેતાઓ કે સમાજ સુધારકો લોકોને મદદ કરવાનાં વચનો તો અનેક આપે છે, પણ તેને પાળતા નથી. સાથે સાથે જો કોઇ બીજી વ્યક્તિ તે પરિપૂર્ણ કરવા જાય તો પણ તેમાં વાંધો લે છે. કવિ આ શેરમાં ખુદા વિશે હળવી શૈલીમાં પ્રશ્ન કરે છે, અલ્યા ભાઇ આ ખુદા ય કેવા મને મળ્યા છે ???  પ્રશ્નની અદા જોતાં એમ લાગે છે કે ખુદા કવિને માટે એક અંગત અથવા તો પોતાના માણસ છે અને આવા પોતાના માણસ થઇને એ પોતે તો મદદ નથી કરતા તેમ જ  કોઇ બીજાની પાસ એમને મદદ લેવા જવાય નથી દેતા એનું કવિને આશ્ચર્ય છે.. પ્રેમી જેમ પ્રેમિકાની ખ્વાહિશ પૂર્ણ ન કરે પણ એની પ્રેમિકા એની માગણી  માટે કોઇ બીજા સમક્ષ હાથ ન ફેલાવે એની એ ખાતરી રાખે છે કેમ કે એમાં એ કદાચ પોતાની આબરુનો વિચાર કરતો હોય…!!

” શું આ ભાઇ  એને માટે આટલી સેવા ય ન કરી શક્યો તે આણે મારી પાસે હાથ લંબાવવો પડ્યો ???”.

આવા સંભવિત પ્રશ્નો  ટાળવા માટે  પ્રેમી જેમ પ્રેમિકાને મનાઇ ફરમાવે છે તેમ ખુદાએ  એટલે કે ભગવાને પણ પોતાના બંદાઓ ઉપર એવું નિયત્રંણ મૂકેલું છે કે તમારે ભગવાન સિવાય કોઇની સમક્ષ હાથ ફેલાવવો નહિ.

 


anat e1526386679192

Share This Article