” રચાયો છે માળો ફરી એક ડાળે,
ફરી વૃક્ષ આખ્ખું ય પુલકિત થયું છે ! “
— શૈલેન રાવલ
આ શેરની મઝા માણવા માટે મનમાં એક સાવ સૂકા વૃક્ષની કલ્પના કરવી પડે. ને પછી એની સૂક્કી ડાળોમાં એક બે ચકલી કે અન્ય કોઇ પક્ષીઓ માળો બનાવે ને એ માળો બનતાંની સાથે જ જાણે કે એ આખ્ખું ય વૃક્ષ જાણે કે નવ પલ્લવિત થઇ જતું હોય એવું દ્રશ્ય મનમાં ઉભરે ત્યારે મનને એક અદભૂત આનંદની પ્રતીતિ અવશ્ય થાય જ છે. કવિએ આવી આનંદની અનુભૂતિ આ એક જ શેર દ્વારા આપણને કરાવી દીધી છે.
પક્ષીઓનો માળો આમ તો ખૂબ જ નાની ઘટના છે પણ તમે એની તાકાત તો જૂઓ… એ એક આખા સૂકા વૃક્ષને જાણે કે હર્યુ ભર્યુ બનાવી દે છે. આવું જ કંઇક આપણા જીવનમાં નથી બનતું ??
— તમે સાવ નિરાશ થઇને બેઠા હોવ ને કોઇનું આગમન તમને મોજમાં લાવી ગયું હોય એવું શું તમારા જીવનમાં નથી બન્યું ?
— જીવનનાં સાતે ય વહાણ ડૂબી જવાની સંભાવના હોય ત્યારે કોઇ એક સમાચારે તમને નવું જીવન બક્ષ્યું હોય એવું નથી બન્યું ??
— તમારા જીવનમાં બનેલી કોઇ નાનકડી ઘટનાએ તમારા જીવનને કોઇ નવી જ દિશા આપી દીધી હોય એવું પણ નથી બનતું ??
— એક જ માળો રચાયાની વાત છે જો વધારે માળા રચાય તો એ વૃક્ષ તો કદાચ હર હંમેશને માટે લીલુંછમ્મ બની જ જાય.
અહીં બીજો એક બોધ એવો પણ આપણે લઇ શકીએ કે જીવનમાં નાનામાં નાની ઘટનાને આપણે અવગણવી જોઇએ નહિ. ઇશ્વર કશીક નાની ઘટના દ્વારા પણ આપણા જીવનના ખૂટવા આવેલા રસ અને રંગોને પૂરા કરી શકે છે. આ શેરમાં કવિએ કરેલી કલ્પના અદભૂત અને માર્ગદર્શક પણ છે. કવિને એના માટે સલામ કરવાનું પણ મન થઇ જાય છે.
અનંત પટેલ