ગમતાનો કરીએ ગુલાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

” નથી પડતું લગારે ચેન જેનાં દ્વાર વિણ દિલને,
દિયે  છે એ જ  જાકારો, એ  જાકારાએ  ક્યાં જાવું ?”
                           મનહર ત્રિવેદી ‘ગાફિલ’.

પોતાનાં માણસો દ્વારા જ્યારે જાકારો કે તિરસ્કાર મળે છે ત્યારે તે વ્યક્તિના દિલને કેટલી વ્યથા/પીડા થાય છે તે તરફ કવિએ ધ્યાન દોરેલ છે. સંસારની માયા એવી છે કે મા બાપને સંતાનોથી, પતિને પત્નીથી , યારને યારથી ,પ્રેમીને પ્રેમિકાથી કે ગુરુને શિષ્યથી લાંબા સહવાસને કારણે એક અલગ પ્રકારનો લગાવ થઇ ગયો હોય છે. એકની ગેરહાજરીમાં બીજાને ચેન પડતું નથી. કંઇ કશું જ ગમતું નથી. પરસ્પરના વિરહની વેદના અસહ્ય હોય છે તેમ છતાં વ્યક્તિ એ વિરહને વેઠી લેવાની તૈયારી રાખે છે કેમ કે એને ખાતરી હોય છે કે તેનું પ્રિય પાત્ર એક્ને એક દિવસે તેને જરૂર મળવાનું જ છે.

પરંતુ જો આવું પ્રિય પાત્ર વ્યક્તિને જાકારો આપી દે કે તેનો કોઇ કારણસર કે સંજોગોવશાત ત્યાગ કરી દે છે ત્યારે પેલી વ્યક્તિના હ્રદયની પીડા અસહ્ય થઇ જાય છે.તેના જીવનની પળે પળ આકરી થઇ જાય છે ને એમાં એટલી બધી નિરાશા કે ડિપ્રેશન પણ આવી જાય છે કે વ્યક્તિ ક્યારેક આત્મહત્યા જેવુ તદ્દન અયોગ્ય પગલું પણ ભરી બેસે છે.

એટલે આવી સ્થિતિ નિવારવા માટે ખરેખર તો દરેક માણસે પોતાના મિત્રો કે જીવનમાં સાથે જીવી રહેલાં બધાં જ પાત્રો સાથેના સંબંધોમાં એક ચોક્કસ પ્રકારની મર્યાદા પણ નક્કી કરી રાખવી જોઇએ કેમ કે જીવનમાં કુદરતી રીતે પણ કોઇનો વિયોગ આવી શકે છે. તમે સમજી પણ ના શકો એવા કોઇ અગમ્ય કારણસર કોઇ તમને છોડી દે એ સહેજ પણ વાજબી નથી હોતું તે છતા આવું કશુ ઘણા લોકોના જીવનમાં બન્યું જ હોય છે. જીવનમાં પોતાના વ્યક્તિ દ્વારા પણ જાકારો મળી શકે છે એવી સંભાવના તરફ કવિએ આડકતરી રીતે ધ્યાન દોરીને આપણને એવા સમયે ડરી જવાને બદલે હિંમતથી તે સંજોગોનો સામનો કરી લેવા મનને કેળવવાની સરસ કોશિશ કરેલ છે.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article