” જિંદગીના રસને પીવામાં જલદી કરો “મરીઝ”,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
મરીઝ
મનુષ્યના દેહની નશ્વરતા અને મળેલા ઓછા સમય તરફ શાયરે ખૂબ જ સરળ શબ્દો વડે આપણું ધ્યાન દોરેલ છે. કવિ કહે છે કે હે માનવ તું તારી જીંદગીના રસને પીવામાં જરા ઝડપ અથવા તો ઉતાવળ કર કેમ કે જીંદગીનો રસ ઓછો છે અને વળી તે જે જામ અર્થાત વાસણમાં ભરેલ છે તે પણ કાણુ છે.
સંસારમાં આપણે જાત જાતના મનુષ્યો જોઇએ છીએ. તેમાં ઘણા ખરા લોકો ખૂબ જ આળસુ અને કામચોર પ્રકારના પણ જોવા મળે છે .કવિએ ખાસ તો આવા લોકોને જ અહી ધ્યાનમાં રાખેલ છે. એક હિન્દી કવિએ કહ્યું છે કે ,
” કલ કરે સો આજ કર,
આજ કરે સો અબ;
પલમેં પ્રલય હો જાયેગા
બહુરી કરેગા કબ ? “
જે કામ કાલે કરવાનું વિચાર્યુ તે આજે જ કરી લે અને જે આજે કરવાનું વિચારે છે તે હમણાં જ કરી લેવું જોઇએ. જગતમાં કે જીવનમાં અચાનક એક ક્ષણમાં પ્રલય આવી જશે તો તારુ બાકીનું કામ ક્યારે પૂરુ કરીશ ?? અહીં બીજો અર્થ એવો પણ લેવાનો છે કે તમારે તમારા જીવનમાં દરેક કામ સમયસર કરી જ લેવાનું છે. જો તમે ” થાય છે” , ” થાય છે ” એમ કરીને બેસી રહેશો તો પછી એનો યોગ્ય સમય નીકળી જવાને લીધે તમને તમારું ધારેલું પરિણામ પણ નહિ મળે અને વીતેલો સમય વ્યર્થ ચાલ્યો જશે. વળી જે સમય ચાલ્યો જાય છે તે તો કદાપિ પાછો આવતો જ નથી એ સત્ય પણ દરેકે સ્વીકારવાનું જ છે. તેથી જ તો આ શેરમાં કવિ પોતાની જાતને કહે છે કે દોસ્ત તું તારી જીંદગીના રસને પીવામાં કે માણી લેવામાં ઉતાવળ કર કેમ કે તારી પાસે જે રસ છે તે ઘણો ઓછો છે અને તારા પાસે જે દેહ છે તે પણ ઘણી બધી ખામી યુક્ત છે. આપણું જીવન ઘણી બધી અનિશ્રિતતાઓથી ભરેલું છે તે બાબત તરફ કવિએ અંગુલિ નિર્દેષ કરેલ છે અને કુદરતે જે કંઇ કામ આપણને સોંપેલ છે તે સમજદારી પૂર્વક ઝડપથી પૂર્ણ કરી લેવા ની સલાહ આપેલ છે જે આપણે અનુસરવી જ રહી.
- અનંત પટેલ