” શું પૂછવું ? શું બોલવું ? ખુશ છો અને રહેજો ખુશી !
વ્યર્થ આસુ ખેરશો તો લૂછશે કોઇ નાહિ. “
— કલાપિ
આપણા લોક લાડીલા કવિ શ્રી કલાપિની એક ગઝલનો આ શેર મને ખૂબ જ ગમી ગયો છે. નાનક્ડી બે કડીઓ ઘણી મોટી અને સત્વભરી વાત કહી જાય છે. કૈ કદાચ કવિ પોતાના મિત્ર, સ્નેહી, સ્વજન કે માશૂકાને સંબોધીને જ કહી રહ્યા છે. આપણે સામાન્ય વાતચીતમાં આપણા સ્વજન કે મિત્રને કેમ છો ? મઝામાં છો ? જલસા છે ને ? કે એવું બીજું કશુંક પૂછતા હોઇએ છીએ. પણ અહીંયાં તો કવિ કહે છે કે મારે તમને શું પૂછવું ? તમને શું કહેવું એજ એમને સમજાતું નથી કે પછી એ એવું કશુંક પૂછવા જ માગતા નથી. કદાચ કશુંક પૂછવાથી જે જાણવા મળશે એ કેવું ક હશે ?? સારુ નરસુ, સુખદ કે દુ:ખદ અથવા ક્યારેક ચિંતા ઉપજાવનારુ ય હોઇ શકે છે. એટલે કવિ પોતાના મિત્ર કે સ્વજનને કશું પૂછવાના મતના નથી. છતાં એમને લાગે છે કે સામેની વ્યક્તિ જો ખુશ છે તો તે સદાય ખુશ જ રહેવી જોઇએ. તેથી કવિ એના સ્વજન કે યાર હંમેશાં ખુશ રહે એવી ભાવના વ્ય્ક્ત કરે છે.
બીજી કડીમાં કવિ પોતાના યાર કે સ્વજનને સલાહ પણ આપે છે કે તમને કશીક પીડા હોય, દુ:ખ હોય તો પણ તમે કોઇની આગળ તમારાં કીમતી અશ્રૂઓ વેડફશો નહિ કેમ કે કવિને એવી ખબર છે કે તમારાં આસુને કોઇ લૂછશે નહિ. આમાંથી બે બાબત કવિ દ્વારા વ્યક્ત થયેલ છે,
— કવિને કદાચ સ્વાનુભવ છે કે સંસારમાં વ્યર્થ આંસુ ખેરવવાં નહિ, રોદણાં રડવાથી કોઇ તમારી વહારે આવતું નથી. દરેક જણ મતલબી જ હોય છે.
— દુ:ખ આવે ત્યારે હિંમત હારવાને બદલે તેનો મજબૂતાઇથી સામનો કરીએ તો એ દુ:ખ ઝડપથી દૂર થઇ શકશે.
આમ આ શેરમાં કવિએ પોતાના યાર કે સ્વજનને જે કહ્યું છે તે આપણે પણ જીવનમાં ઉતારવા જેવું છે. આપણે પણ કોઇને વારંવાર ખબર અંતર પૂછીને વેવલાવેડા ન કરવા જોઇએ. પોતાના સ્વજનો હંમેશાં ખુશ રહે તેવી જ ભાવના વિકસાવવી જોઇએ. અને દુ:ખ પડે કે વિપત્તિ આવે ત્યારે ગભરાઇ જઇ વ્યર્થ આસુ સારવાને બદલે હિંમતથી તેનો સામનો કરવો જોઇએ.
- અનંત પટેલ