” શત્રુને સમજાવવાનું કેટલું અઘરુ હશે ??
બસ,નિકટના મિત્રને સમજાવ,નક્કી થઇ જશે. “
— મદકુમાર અંજારિયા “ખ્વાબ”
બે કુંટુંબો,બે વ્યક્તિઓ કે બે દેશો વચ્ચેની શત્રુતા કેટલી ભારે પડે છે તે આપણે સૌ સારી રીતે સમજીએ છીએ. આ દુશ્મનાવટને ખતમ કરવી એ કેટલું અઘરુ કામ છે તે પણ આપણે જાણીએ છીએ.શમે ના વેરથી વેર એ ઉક્તિ મુજબ દરેક વ્યક્તિ વેરને બદલે પરસ્પર પ્રેમ વિકસાવવા પણ પ્રયત્ન કરે છે. વેરને દોસ્તીમાં બદલવા ઘણાય પ્રયાસો થાય છે. પરંતુ મટે ભાગે વેર કે શત્રુતાને દોસ્તીમાં બદલવાના પ્રયત્નો ફોગટ નીવડે છે. આવી પરિસ્થિતિ કે સંજોગોને ધ્યાને રાખી કવિશ્રી મદનકુમારે આ પંક્તિઓ દ્વારા જમાનાને કહ્યું છે કે શત્રુને સમજાવાનું કેટલું અઘરું છે એ તમે જો તમારા દોસ્તને સમજાવવાના પ્રયત્નો કરી જોશો તો જ તમને સમજાશે.
કવિની વાત એકદમ સાચી છે, આપણે આપણા દોસ્ત કે પ્રિયજન સાથે કશુંક વાંકુ કે વાંધો પડે છે તો એને સમજાવવા કે મનાવવા માટે શું નું શું કરવું પડે છે તે ખૂબ સારી રીતે જાણીએ જ છીએ. પત્ની, પતિ ,સંતાન કે મિત્ર અથવા પોતાનું પ્રિય કોઇ અન્ય પાત્ર જ્યારે રિસાઇ જાય છે ત્યારે તેને મનાવવાનું એક મોટુ અને કપરું કામ આવી પડે છે. ઘણી વાર એ પ્રિય વ્યક્તિ આપણી વાત સમજવા જ તૈયાર થતી નથી, એને બસ આપણો જ વાંક દેખાય છે. એને પોતાની ભૂલ તો દેખાતી જ નથી. તમે એની માફી માગી માગીને થાકી જાઓ છો તો ય એ ટસની મસ થતી નથી. ક્યારેક તો આ રિસામણાને મનાવવામાં વ્યક્તિ કંટાળી પણ જાય છે. હવે જો મિત્રને મનાવવાનું આટલુ બધુ અઘરું પડતું હોય તો પછી જેની સાથે વર્ષોથી કે બાપ દાદાઓની પેઢીઓથી વેર ચાલ્યુ આવતું હોય તો એને શમાવતાં કેટલી તકલીફ પડે તે સમજી શકીએ છીએ.
આપણે તો આમાંથી સાર અથવા તો બોધ એ લઇએ કે જીવનમાં કોઇની સાથે દુશ્મનાવટ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખીએ. જેથી કરીને તેને મનાવવાનો કે સમાધાન કરવાનો પ્રશ્ન આવે જ નહિ. તે જ રીતે જો કોઇની સાથે અગાઉથી દુશ્મનાવટ ચાલી આવતી હોય તો એને પ્રેમ અને સમાધાન તેમ જ બાંધછોડની ભાવના રાખીને દોસ્તીમાં પલટાવી દેવી જોઇએ. એ જ આપણા સૌને માટે ઇષ્ટ બની રહે છે.
અનંત પટેલ