” હવે તો સૈફ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું. “
–સૈફપાલનપુરી
શાયરની ઇચ્છા કેટલી રોચક છે ? મૃત્યુ ચૂપચાપ આવીને તેમને લઇ જાય તેવું તેમને મંજુર નથી. ઘરે કોઇ મહેમાન આવે છે ને બારણું ખખડાવે છે તો કવિને એમાં ખૂબ જ આનંદ મળે છે. મહેમાન બારણું ન ખખડાવે ને આજના સમય મુજબ ફોન પર જાણ કરે તો ય કવિ કદાચ આનંદમાં આવી જતા હોય તેવું સ્પષ્ટ થાય છે. ટૂંકમાં કવિને એકલતા નથી ગમતી. એમેના ઘેર કોઇ આવે તો એ એમને વધારે સંતોષ અને આનંદ આપતું હોય તેમ લાગે છે. તેથી જ તો મૃત્યુ કે જે એવો મહેમાન છે કે તેના આવ્યા પછી બધું જ સમાપ્ત થઇ જવાનું છે, કોઇપણ ઇચ્છા અપેક્ષાનું અસ્તિત્વ જ રહેવાનું નથી છતાં તેમાં ય કવિએ એવી ભાવના વ્યક્ત કરી છે કે મૃત્ય પણ ચૂપચાપ આવવાના બદલે આવીને બારણું ખખડાવે તો એમને છેલ્લી ઘડીએ પણ કોઇક તેમના ઘરમાં કે જીવનમાં આવ્યું છે એવું તેમને લાગશે .
કવિને કોઇના આગમનમાં રસ છે. આગમનનો હેતુ ગમે તે હશે તો ચાલશે. એ બહાને કોઇક તેમના ઘરે આવ્યું તો ખરું એનો તેમને ખૂબ જ આનંદ છે. એકંદરે કોઇ એમના ઘરે આવે એ તેમને ગમતી વાત છે. આપણે આ શેરમાં કવિએ જે ચાહના વ્યક્ત કરી છે અને તેના દ્વારા જે છૂપો સદેશ આપ્યો છે તે પકડી લઇને આપણા ઘરે કે જીવનમાં જે કોઇ વ્યક્તિ કે વ્યક્તિઓ આવે તેમને આદર સાથે સત્કારવી જોઇએ. કોઇના આગમનથી આપણને પણ આનંદ થાય તે જરુરી છે . કોઇના આવવાથી જે લોકો મોંઢુ બગાડે છે તેમણે આમાંથી યોગ્ય પદાર્થ પાઠ લેવાનો છે.
- અનંત પટેલ