“સ્હેજ પણ ડાઘો ના હોયે આયખે,
છો ભલે લૂગડાં ય મેલાં ફાટલે. “
— બાબુ નાયક
કવિએ જીવતર ઉપર કોઇ ડાઘ ન પડે તેને માટે સાવચેત રહેવાની જાણે આપણને તાકીદ કરી છે. કવિશ્રી કહે છે કે મારાં કપડાં મેલાં ઘેલાં હશે તે ચાલશે પણ મારી જીંદગી પર કોઇ ડાઘ હું ક્યારે ય ઇચ્છીશ નહિ.તમે ભલે ગરીબ હોવ, કદાચ તમારી પાસે સ્વચ્છ કે ખૂબ જ ઉમદા પ્રકારનાં મોઘાં દાટ કપડાં નહિ હોય તો એનો ખાસ કંઇ વાધો નહિ આવે. પરંતુ તમારુ જે જીવન છે તે હંમેશાં ઉજ્જ્વળ અને પવિત્ર તેમ જ સ્વચ્છ હોવું જ જોઇશે. સંતો સતત એ જ વાત કરે છે કે મહેનત મજૂરી કરીને ખાજો, પરસેવો પાડીને જમવાથી તમને સારી અને સંતોષ ભરેલી નીંદર આવશે. પણ દગા ફટકાથી કે ચોરી છૂપીથી અથવા કોઇને છેતરીને દગો કરીને જો તમે કમાશો તો એનાથી તમારું જીવતર ધૂળધાણી થઇ જશે. તમારા જીવતર ઉપર પાપ કર્મના જે ડાઘ પડશે તે તમને સુખેથી સૂવા પણ નહિ દે અને તમે એ પાપનો ભાર લઇને જીવી પણ નહિ શકો.
મેલાં કપડાં જોઇને કદાચ કોઇ મોઢુ મચકોડશે તો એનાથી તમારે શરમાવાની જરૂર નથી. જે કાળુ કામ કરે તેણે જમાનાથી છૂપાવાનું આવે છે. જે મહેનત મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે તેણે કોઇથી જરા પણ ડરવાની જરૂર હોતી નથી. લોકો સત્યના માર્ગે જનારને આવકારે છે. સ્ત્રી હોય કે પુરુષ એના જીવન કાળ દરમિયાન એના જીવતર પર કલંકની કાળી ટીલી લાગવી જોઇએ નહિ. માણસથી ભૂલ થાય એ સ્વાભાવિક છે પણ કોઇ ભૂલ એવડી મોટી તો ન જ હોવી જોઇએ કે જેનાથી તેનું સમગ્ર જીવન કલંકિત થઇ જાય. જીવનમાં ઓછુ ખાવુ, ઓછા મોજ શોખ કરવા પરંતુ પૈસા પાછળ પાગલ બનીને જો કાળાં ધોળાં કરશો તો તમારે જીવનમાં પસ્તાવાનો પાર નહિ રહે.
- અનંત પટેલ