ગમતાનો કરીએ  ગુલાલ        

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

       ” તારા ઘા પર ઘા મને મારી રહ્યા
       પ્રભૂ ! તો ય ઝીલું હું  પુષ્પ સમા;
       મારો  જીવન  ઘાટ  ઉતારી રહ્યા,
       પ્રભૂ !  કેમ ગણું પછી  તે વસમા ?
                   કવિ શ્રી ખબરદાર

            કવિ ભગવાન તરફથી જે કંઇ તકલીફ મળે છે, દુ:ખ મળે છે તે બદલ ક્રોધ કરતા નથી પરંતુ તેને પણ ભગવાનની કૃપા અથવા તો આવનારા સુંદર ભવિષ્ય માટેની તૈયારી સમજી રહ્યા છે. કવિ કહે છે કે હે પ્રભૂ તારા તરફથી મારા પર વારંવાર ઘા થયા કરે છે , જેમ કોઇ  શિલ્પકાર કોઇ પથરામાંથી સુંદર મૂર્તિ ઘડવા માટે તેના  ઉપર હળવા તેમ જ ભારે ઘા કરતો રહે છે અને આવા ઘા થયા પછી જ તે પથરામાંથી સુંદર પ્રતિમા બની શકે છે. કવિ એવું કહે છે કે ભગવાન તારા તરફથી મારા પર જે જે ઘા પડે છે તેને હું પુષ્પ સમાન ગણીને ઝીલી લઇશ. કેમ કે મને ખાતરી છે કે ભગવાન તારા તરફથી જે ઘા પડે છે તે ઘા મારા ઉજ્જ્વળ  ભવિષ્ય માટે છે. આ ઘા મને નુક્સાન કરવા માટે નથી. આ ઘા તો મારા જીવતરને રૂડો ઘાટ આપવા માટે છે. ભગવાન તું મારી જૂદી જૂદી રીતે કસોટી કરી રહ્યો છે પણ આ કસોટી મને વધારે મજબૂત અને પરિપક્વ બનાવવા માટેની જ છે.

કવિની આ પંક્તિઓમાંથી આપણે સૌએ બોધ લેવાનો છે કે ઇશ્વર આપણને દુ:ખ અને વેદના આપે તો તેને આપને હસતા મોંઢે સ્વીકારી લેવાનું છે. આમાં બીજી એક વાત તરફ પણ ધ્યાન  દોરવાનું મન થાય છે કે ભગવાન અથવા તો કુદરત તમારા પર દુ:ખ નાખે અને જો તે તમે ના સ્વીકારો તો પછી તેને માટે  બીજો વિકલ્પ પણ શું હોય છે ? તો આ સ્થિતિમાં ઇશ્વર પર શ્રધ્ધા રાખી આવેલ પીડાને ફુલની પાંખડી સમાન ગણીએ તો જ આપણું ઇષ્ટ થશે.


anat e1526386679192

Share This Article