” બચાવીને રહો નહિ જાતને, જગનાઅનુભવોથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં. ”
— શ્રી જયંત શેઠ.
જગતમાં આપણને કેટલાક એવા માણસો જોવા મળે છે જે હંમેશા કોઇપણ તકલીફ કે મુશ્કેલી તેમને વેઠવાની આવે જ નહિ તેવી રીતે પોતાની જાતને બચાવીને જીવતા હોય છે. થોડુઘણું જોખમ દેખાય તો તેઓ તરત જ પીછેહઠ કરતા હોય છે. આવા લોકોને કવિ બોધ આપવા માગે છે, કંઇક સલાહ સૂચન આપે છે ને કહે છે કે તમારે જીવનમાં જે કંઇ સારા નરસા અનુભવો મળે છે તેનાથી ડરવાની કે તેનાથી દૂર ભાગવાની જરૂર નથી.
તમારા જીવનના ઘડતર માટે , જીવનને સારી રીતે જીવવા માટે , તમે જે કાંઇ ધ્યેય નિશ્ચિત કરેલ છે તે પામવા માટે અથવા તો જીવનમં સફળતા મેળવવા માટે જીવનમાં જે કાંઇ પ્રહારો પડે તે વેઠીલેવાના છે. માણસને દુ:ખ આવે , તકલીફો આવે કે ઠોકરો ખાવી પડે તો તે ખાવી જરૂરી છે. જીવનમાં માણસ ભૂલ કરે, ઠોકરો ખાય તો જ સુધરી શકે છે. સાચું જીવન શિક્ષણ તેને આ રીતે જ મળે છે. જગતમાં જે જે મહાપુરુષો થઇ ગયા છે તેમના જીવન પર દ્રષ્ટિપાત કરીએ તો જણાશે કે તેમણે જીવનમાં ઘણી વિપત્તિઓનો સામનો કર્યો છે, એમણે પણ કાંટાળા રસ્તે ચાલવું પડ્યુ છે.
આમ કવિએ જીવનમાં જે જે કડવા અનુભવો માટેના સંજોગો ઉભા થાય તેનો હસીને સામનો કરવની શિખામણ આપી છે. આ શિખામણને જો દરેક વ્યક્તિ જીવનમાં ઉતારે તો તેનું જીવન આવનારી પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બની જશે અને તે વ્યક્તિ પણ પોતાના જીવનમાં અનેરો આનંદ અને સફળતા પામી શક્શે.
- અનંત પટેલ