“ગમતાનો કરીએ ગુલાલ ભાગ”- 2

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

” એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,

એ  કેશ  ગૂંથે  અને  બંધાય ગઝલ;

કોણે કહ્યુ  લયને  કોઇ  આકાર નથી ?

એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.”

આદિલ મનસુરી

મેં એક જાણીતા શાયરના મોઢેથી સાંભળેલ છે કે જેને પ્રેમ થયો હોય તે જ ગઝલ લખી શકે.’ ગઝલ ‘ શબ્દનો અર્થ પણ એ છે કે ” સુંદર સ્ત્રી સાથે  સંવાદ ” . સુંદર સ્ત્રી સાથે  સંવાદ શાનો હોય ? માત્ર અને માત્ર પ્રેમનો જ હોય ને ? શાયરની કલ્પના કેટલી અદભૂત અને રોમાંચકારી છે ? સનમની આંખ ઉઘડે છે ને જાણે ગઝલ શરમાઇ જતી લાગે છે. કોઇ સુંદર યૌવના તેનાં સુંદર અને રમણીય પોપચાં ધીમે ધીમે ઉઘાડે તેવા દ્રશ્યની કલ્પના કેટલી મોજ આપી જાય છે ? રમણી તેના કેશ બાંધે છે, લટને સંવારે છે ત્યારે શાયર  કહે છે એ લટમાં  જાણે  કે ગઝલ પોતે જ બંધાઇ જતી હોય તેવું તેમને અનુભવાય છે. વાળ લટ  આમ તો તદ્દન ક્ષુલ્લક બાબત છે પણ કવિ એને રમણીની લટમાં પરોવીને તેના ગૂંફનમાં જાણે કે ગઝલ  ખુદ ગૂંફાઇ છે કે ગૂંથાઇ રહી છે તેવું દર્શાવી તેને અતિ મનોહર સ્વરૂપે રજૂ કરે છે. પછી આપણને સવાલ પૂછે છે લયને આકાર નથી હોતો તેવું કોણ કહે છે ? આ જૂઓ, અહીં આવો , પેલી સુંદરી તેનાં અંગ મરોડે  છે ને તે સાથે જ મારી ગઝલ પણ મરોડાય છે, વળ ખાતી જણાય છે તેમ જણાવી  કવિએ અહીં પોતાની પ્રિયતમાની દૈહિક ક્રિયાઓને ગઝલમાં છૂપાવીને જે રીતે આપણી સમક્ષ મૂકી છે તે ખરેખર અદભૂત છે. તેમાં ભાવક  ભાવવિભોર થઇ જાય છે. અને વાચક કે ભાવક કવિની પંક્તિ વાંચી ભાવવિભોર થઇ જાય તો જ એ કવિની સફળતા કહેવાય.

અનંત પટેલ

Share This Article