ગમતાનો કરીએ ગુલાલ – ૨૩

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગમતાનો કરીએ ગુલાલ    


          ” છેતરે તું છે, ખબર એની મને,
                આ પ્રથા પણ માણવા જેવી હતી. “
                                –શ્રી  ચતુર પટેલ

          કોઇ તમને પૂછે કે તમારા જીવનમા ક્યારેય એવું બન્યુ છે ખરું કે કોઇ તમને છેતરી ગયું  હોય તે છતાં તે રીતે છેતરાવું તમને ગમી ગયું હોય ? અથવા એવું તમે ક્યારે ય વિચારેલુ ખરું કે કોઇ ચોક્કસ વ્યક્તિ તમને છેતરે ? ને એ રીતે છેતરાવાનો તમને આનંદ આવ્યો હોય ? આ શેરમાંશાયરે ખૂબ સરસ રીતે પોતે જાણી  જોઇને તેમના પ્રિય પાત્ર દ્વારા છેતરાયા છે તેની કબૂલાત કરી છે અને સાથે સાથે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આવી રીતે છેતરવાની કે છેતરાઇ જવાની પ્રથા પણ માણવા જેવી હતી.

ઘણીવાર દાદા કે પપ્પા બાળકો સાથે ખોટું ખોટું  રમતા હોય છે. પોતાનાં લાડકાં બાળકોને રમાડતી વખતે આ વડીલો હાથે કરીને હારી જતા હોય છે કે પડી ગયાનો ઢોંગ કરતા હોય છે. આવું કરવામાં એમને મઝા આવતી હોય છે. એ ગમે તે રીતે એવું ઇચ્છતા હોય છે કે તેમનું બાળક ખુશ ખુશાલ રહે. આવું જ વ્યક્તિ તેની પ્રિયા કે પ્રિયતમ ના સંદર્ભમાં પણ વિચારવા તૈયાર હોય છે. આમ કરવા પાછળનો આશય તે રીતે પોતાના પ્રિય પાત્રને ખુશી આપવાનો હોય છે. અને તમે માનશો ? આવું કશું ક જીવનમાં હોય તો જીવવાની પણ મઝા આવે છે. જીવનમાં કંઇક બદલાવ લાવી શકાય છે. નહિતર એ સિવાય તો જીવન શુષ્ક બની જતું હોય છે. જીવનમાં કશોક રોમાંચ રહે એ પણ ખૂબ જ જરૂરી બાબત છે.  બીજુ ખાસ એ છે કે જ્યારે કોઇ તમને જાણી જોઇને છેતરતું હોય છે ત્યારે એ વ્યક્તિ એ બાબતનું ખાસ ધ્યાન પણ રાખતી હોય છે કે એનાથી તમને કશું પણ નુક્સાન ન થાય.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article