ગમતાનો કરીએ ગુલાલ
” કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા.
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા. “
-શ્રી બરકત વીરાણી (બેફામ)
આજે લોકો એવા મળે છે જેમના મનમાં જેવા સાથે તેવાની ભાવના હોય છે એટલે કે કોઇ આપણને હેરાન પરેશાન કરતું હોય તો આપણે પણ તેને હેરાન પરેશાન કરવા જોઇએ. અહીં શાયરે અનોખો સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે કે જીવનમા જ્યારે જ્યારે અમને કોઇ નડ્યું છે ત્યારે ત્યારે અમે ત્યાં ઉભા રહી ગયા છીએ અને ત્યાં ઉભા રહી અમે કોઇને જરાય નડ્યા નથી. અમે જ્યારે ઉભા રહ્યા છીએ ત્યારે ગમ ખાઇને ધીરજ ધરીને ઉભા રહ્યા છીએ. એમાં કોઇપણ જાતનો રઘવા કે ક્લેશ પેદા થવા દીધો નથી. જે કોઇએ અમને નડવાની કોશિશ કરી છે તે ભલેને અમારી ખૂબ નજીકનાં સગાં હોય કે દૂરનાં હોય અમે અમારા નિર્ણય મુજબ તેમનો વિરોધ કરેલ નથી અને ચૂપચાપ ત્યાં અટકી ગયા છીએ અથવા તો તેમને સહી લેવાની તૈયારી દર્શાવેલ છે તેવું કવિ કહી રહ્યા છે. કવિએ જે ભાવના વ્યક્ત કરી છે તે ખૂબ વિરલ છે. આજે તો મોટા ભાગના લોકો તેમને જેણે હેરાન કર્યા હોય તેને દાઢમાં રાખતા હોય છે અને તક મળે તેનો બદલો લેવાનું જરા ય ચૂકતા નથી. કંઇક અંશે અહીંયાં ” ક્ષમા વીરસ્યભૂષણમ” ની ભાવના પણ વ્યક્ત થતી હોય તેમ લાગે છે. આ શેરમાં વ્યક્ત થયેલી ઉત્કટ ભાવનાને ચાલો આપણે પણ આત્મસાત કરવાનો સંકલ્પ કરીએ. કોઇ ભલે આપણને નડે પણ આપણે તો એને નહિ જ નડીશું.
- અનંત પટેલ