ગમતાનો કરીએ ગુલાલ
” ભૂલી જાવ તમે એને તો એ સારુ છે ‘મરીઝ’
બાકી બીજો કોઇ વિકલ્પ કે ઉપચાર નથી. “
– મરીઝ
જે લોકો જીવનમાં પોતાનું દુ:ખ ભૂલી શક્તા નથી કે ભૂલી જવા તૈયાર નથી તેમને શાયરે એકદમ સરળ રીતે સુંદર શિખામણ આપી છે. સંસારમાં અનેક પ્રકારની દુ:ખદ અને સુખદ ઘટનાઓ વ્યક્તિના જીવનમાં બનતી રહે છે. સુખની, આનંદની, મોજની કે મસ્તીની ઘટનાઓ કે પ્રસંગો દરેક માણસ ને લાબા સમય સુધી યાદ રહે છે .
જીવનમાં બનતી ઘટનાઓ યાદ રહે એમાં કશું ખોટું તો નથી જ, છતાં જીવનમાં બનેલી સારી ઘટનાઓ કે સુખદ અનુભવો આપણે યાદ રાખીએ તો એ અવાર નવાર આપણને ભૂતકાળમાં માણેલા સુખની અનુભૂતિ કરાવે છે. પરંતુ જીવનમાં આવેલા દુ:ખદ પ્રસંગો જેવા કે નજીકના સ્નેહી સંબંધીનું અકાળે થયેલું મૃત્યુ, ધંધા રોજગારમાં આવેલું મોટુ નુક્સાન, પોતે કે પોતાના કુટુંબના કોઇ સભ્યએ ભોગવવી પડેલી જબરદસ્ત બિમારી, મોટી નિષ્ફળતા આ બધી બાબતો જો વ્યક્તિ ભૂલે નહિ તો એના માટે બીજો કોઇ વિકલ્પ જ હોતો નથી. દુ:ખની ઘટના યાદ રાખવાથી વ્યક્તિ પોતે દુ:ખી થાય છે અને સાથે સાથી કુટુંબના બીજા સભ્યોને પણ દુ:ખી દુ:ખી કરી દે છે. બીજુ એ કે તમે ઘણી વખત આવી દુ:ખદ ઘટનાઓને યાદ રાખીને એના ભારમાં એટલા બધા દબાઇ જતા હોવ છો કે તમને નવું કશું સૂઝતું પણ નથી જે તમારા ભાવિ જીવન માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આમ કવિ આપણને સૌને જીવનમાં બનેલી દુ:ખદ ઘટનાઓ ભૂલી જવા માટે સલાહ આપે છે. હા કદાચ જીવનમાં મળેલી નિષ્ફળતાઓમાંથી આપણે કોઇ બોધ પાઠ લઇએ અને ભવિષ્યમાં તેવું ફરી ન બને તેની તકેદારે રાખવાનુ ન ભૂલવું જોઇએ.
અનંત પટેલ