ગમતાનો કરીએ ગુલાલ – (૧૨)                      

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગમતાનો કરીએ ગુલાલ

“ઉઘાડી આંખ છે, ને દ્રશ્ય ગાયબ,
સહજમાં થઇ ગયું છે ધ્યાન જેવું !”
               -શ્રી અદમ ટંકારવી

અદમ ટંકારવીનો આ શેર કલ્પનાના રૂપક દ્વારા ખૂબ જ સુંદર સંદેશો આપી જાય છે. ઘણીવાર આપણા જીવનમાં એવું બનતું હોય છે કે આપણે હરતા ફરતા હોઇએ, કુદરતના અસીમ સૌંદર્યને માણતા હોઇએ, કોઇ મેળાવડામાં હોઇએ કે કોઇને ત્યાં કશોક પ્રસંગ મહાલતા હોઇએ અથવા તો મનગમતા એકાંતમાં બેઠા હોઇએ છીએ ત્યારે ભલે આપણી આંખો ઉઘાડી હોય છતાં આપણું મન બીજે ક્યાંક  ધ્યાનસ્થ થઇ ગયું હોય છે. આપણી નજર સમક્ષ જે દેખાય છે તેને નિહાળતા નથી પરંતુ બીજા કશાક વિચારોમાં કે યાદગાર ક્ષણોમાં ખોવાઇ જઇએ છીએ કોઇ ઘટનાનું કે વ્યક્તિનું સ્મરણ થઇ આવે છે જે આપણને કશીક ધ્યાનની પરિસ્થિતિમાં દોરી જય છે. કવિએ ખૂબ જ સરળ શબ્દોમાં આપણને સહેજમાં લાગી જતા ધ્યાનની ખૂબ મોટી વાત કહી દીધી છે ! ઘણીવાર આપણે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આવું ધ્યાન પ્રાપ્ત થતું નથી. રોજીંદા જીવનમાં ઘણા  એવા બનાવો બને છે કે તે સમયે આપણે ક્યારેક કંટાળો અનુભવીએ છીએ. આવા સમયે સામે ઉભેલી વ્યક્તિઓ કે વસ્તુઓ તરફ આપણુ ધ્યાન ઘટી જાય છે ને કશાક અગમ્ય વિચારોમાં ખોવાઇ જવાય છે. આ ધ્યાન ખૂબ જ સહજ રીતે લાગી જાય છે. દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવું બનતું જ હોય છે. સહજમાં થતું આવું ધ્યાન અણમોલ છે. આ ધ્યાન જગતને નિયંત્રિત કરનારી કે કુશળ રીતે સંચાલન કરતી શક્તિનું પણ હોઇ શકે છે. સહજમાં  પ્રાપ્ત થતા આવા ધ્યાનની એક અનેરી મઝા હોય  છે. આ ધ્યાન  આપણને સ્ફૂર્તિ આપે છે અને આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો કરે છે.

અનંત પટેલ


anat e1526386679192

Share This Article