” કોઇ અમને ભૂલે તો ફરિયાદ શાની !
‘મરીઝ’ અમને કોની સદા યાદ આવી ?
— મરીઝ.
પ્રેમીઓ અને મિત્રો તેમ જ સગા સંબંધીઓ જો તેમને કોઇ યાદ ન કરે તો તેની ફરિયાદ એકબીજાને કરતા હોય છે. આપણે સૌ તેમાં આવી જઇએ છીએ. પરંતુ અહીં શાયર કંઇક જૂદો જ મિજાજ બતાવે છે એ તો ચોખ્ખુ જ કહી દે છે કે હું પોતે જ મારા મિત્રો કે સ્નેહીજનો ને યાદ કરતો નથી તેથી મને કોઇ યાદ કરે કે ન કરે તો તેની મારે કોઇ ફરિયાદ કરવાની હોતી જ નથી. હું તમને યાદ ન કરું ને પછી તમે મને યાદ કરતા નથી તેવી ફરિયાદ કરું તો એ અયોગ્ય ગણાય. આટલી સીધી અને સરળ વાત કવિએ એટલા માટે કહેવી પડી છે કેમકે ઘણા બધા લોકો તેમને કોઇ યાદ કરતું નથી તેવી ફરિયાદો કાયમ કરતા રહેતા હોય છે. પણ આ તો ભાઇ એક હાથ દે અને એક હાથ લે એના જેવી વાત છે.
આવી બાબત લોકોના સંસારિક તેમ જ સામાજિક વ્યવહારો સંદર્ભમાં જોવા મળે છે. ઘણીવાર આપણે જોતા હોઇએ છીએ કે લોકો અમુક પ્રકારના સામાજિક વ્યવહારો બંધ કરવાનું સૂચવે છે ને પછી પોતે તેનો અમલ કરતા નથી. એટલું જ નહિ વળી પોતાને ઘેર તેમણે જે વ્યવહારો કર્યા હોય તે અન્ય લોકો તેમના ઘેર એવો પ્રસંગ આવેથી કરે છે કે નહિ તેની પૂરેપૂરી તકેદારી રાખે છે, ત્યારે આવા લોકોને કહેવાનું મન થાય છે કે અમુક બાબત તમે જ ન કરો જેથી સામેવાળો તમારે માટે તે કરે છે કે નહિ તે યાદ રાખવાની તમારે ઝંઝટ જ નહિ.
ટૂંકમાં આપણે જે ન કરીએ તેની અપેક્ષા અન્ય પાસેથી રાખવાની થતી જ નથી કે તે બાબતે કોઇને ફરિયાદ પણ કરવાની રહેતી નથી.
- અનંત પટેલ