કેવડિયા કોલોનીમાં જ્યાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આકાર લઈ રહ્યું છે ત્યાંથી વડોદરા સુધીની બ્રોડગેજ રેલવે લાઈન સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર થઈ જશે. આ વર્ષે 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 182 મીટર ઊંચી સરદારની પ્રતિમાનું અનાવરણ થાય તે પ્રકારનું આયોજન ગુજરાત સરકાર કરી રહી છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા રેલવે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાણીએ શુક્રવારે ડભોઈ-ચાણોદ નેરોગેજ રેલવે લાઈનનું પરીક્ષણ કર્યું, અને ચાણોદથી કેવડિયા કોલોની સુધી રેલવે લાઈન માટેનો પ્રસ્તાવ મૂક્યો. રેલવે અધિકારીઓના મતે આ પ્રોજેક્ટ પાછળ 663 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સાઈટ વિઝિટ વખતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા અને રેલવે બોર્ડના ચેરમેન લોહાણી સાથે આવેલા વડોદરા રેલવે વિભાગના રેલવે ડિવિઝનલ મેનેજર અમિત કુમાર સિંહે જણાવ્યું કે, “ડભોઈ અને ચાણોદ વચ્ચેની નેરોગેજ લાઈનને બ્રોડગેજ રેલવે લાઈનમાં પરિવર્તિત કરવા અમે સકારાત્મક છીએ. આ માટે કામ પણ શરૂ કરી દીધું છે. 17 કિલોમીટરની રેલવે લાઈનનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.”
ચાણોદ-ડભોઈ વચ્ચેની નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈન કરવાનો ખર્ચ રૂપિયા 180 કરોડ થશે. ચાણોદથી કેવડિયા કોલોની સુધીની રેલવે લાઈન બનાવવાનો ખર્ચ 483 કરોડ રૂપિયા થશે. અમિત કુમાર સિંહે કહ્યું કે, “હાલ ચાણોદ અને કેવડિયા વચ્ચે કોઈ રેલ વ્યવહાર નથી. આ પ્રોજેક્ટ નવો હોવાથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની મદદથી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર 2019 સુધીમાં આ કાર્ય પૂરું કરવાનું અમારું લક્ષ્ય છે.” 2017ના કેંદ્રીય બજેટમાં નાણાંમંત્રીએ ડભોઈ-ચાણોદ વચ્ચેની રેલવે લાઈનને પરિવર્તિત કરવાની અને કેવડિયા કોલોની સુધી આ લાઈન લંબાવવાની જાહેરાત કરી હતી.