સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સને સિંહના બે નખ અને કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો

Rudra
By Rudra 1 Min Read

અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના ૨ નખ અને જૂનવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું.

આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે. કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે.

વન્યજીવોના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે. વનવિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવી શકાય.

Share This Article