૧૪ જુલાઇ, ૨૦૧૮ના શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ ન બને તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આ રથયાત્રા પર હાઈ-ટેક હથીયારો, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીસીટીવી કેમેરા સહિતથી સુસજ્જ સુરક્ષાકર્મીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખશે.
ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨૬ જૂન, ૨૦૧૮ થી ૧ જુલાઈ, ૨૦૧૮ દરમિયાન તેમના છ- દિવસીય ઈઝારાયલ પ્રવાસે હતા, જે દરમિયાન તેઓએ આંતરિક સુરક્ષા, જળ-પ્રબંધન અને કૃષિ સહિતના ક્ષેત્રોના પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉકેલ અંગે અભ્યાસ કર્યો અને ગુજરાત માટે આ વૈજ્ઞાનિક ઉકેલના શ્રેષ્ઠ હોય તેવા શક્ય ઉપયોગો ઓળખી કાઢ્યા હતા.
મુખ્યમંત્રીએ તેમના ગુજરાત આગમન બાદ ગૃહમંત્રીને આ વિકાસિત ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજીના વિકાસની સાથે-સાથે રાષ્ટ્ર-વિરોધી તત્વો દ્વારા ડ્રોનનો એક હથિયાર તરીકે ઉપયોગ પણ એક શક્ય જોખમ હોઈ શકે જે સંદર્ભે મુખ્યમંત્રીએ ડ્રોન દ્વારા શક્ય જોખમને ટાળી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ રથયાત્રામાં રથની સાથો સાથ રસ્તાઓ પર ચાલતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા નિર્મિત ડ્રોન ગાર્ડ સીસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આધુનિક રડાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સીસ્ટમ ડ્રોન સહિતના લૉ-ફ્લાઈંગ ઓબ્જેક્ટને શોધી કાઢવા સક્ષમ છે. ડ્રોન ગાર્ડ સીસ્ટમ મલ્ટીપલ સેન્સરના ઉપયોગથી ઓછી ઊંચાઈએ ઉડતા ધીમા ટાર્ગેટને શોધી તેનું મેપ ઉપર વિઝ્યુલાઈઝેશન દર્શાવે છે અને મોબાઈલ એલર્ટ ઉત્પન્ન કરે છે, જેથી જોખમી ડ્રોન ફ્લાઈંગને અટકાવી શકાય.
આ સીસ્ટમ અડેપ્ટીવ જામીંગ સીસ્ટમથી સજ્જ છે, જે તેના ડીટેક્શન અને આઈડેન્ટીફીકેશન સેન્સર સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે ઓપરેટ થઈ શકે છે. જામીંગ એ ડ્રોનને પોતાના પોઈન્ટ ઓફ ઓરીજીન (મૂળ સ્થળ) તરફ પરત કરીને અથવા ક્રેશ-લેન્ડીંગ કરાવીને ડ્રોન-ફ્લાઈટ અટકાવી દે છે. રાજ્યની આંતરિક સુરક્ષા માટે આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એ સીમાચિન્હ રૂપ છે, જે ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા દરેક નાગરિકની સુરક્ષા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.