પહેલો સગો પાડોશી..
બહુ જૂની કહેવત છે કે પહેલો સગો પાડોશી. નાનાંમોટાં સુખદુઃખમાં, સારા-માઠા પ્રસંગોમાં જો સૌથી વધારે કોઈ મદદરૂપ હોય, સૌથી વધારે નજીક કોઈ હોય તો એ પાડોશી હોય છે. આપને આપણા પાડોશી સાથે છલ્લે વાંકું ક્યારે પડેલું… એ આપણને બરાબર યાદ છે, પાણીના ઢોળવા બાબતે, કચરો આપણા ફળિયામાં ફેંકવા બાબતે કે પછી પાર્કિંગ બાબતે આપણે કેટલી બધી વખતે પાડોશી જોડે ઝગડ્યા હોઈશું પણ આપણને એ યાદ છે ખરું કે છેલ્લે, આપણે આપણા પાડોશી સાથે સ્નેહથી ક્યારે વાતચીત કરી હતી? માણસના સોશિયલ મીડયા પર ઘણા બધા ગ્રૂપ હોય છે – વર્ચ્યુઅલ સંબધોમાં તે સાંગોપાંગ પાર ઉતરી જાય છે પણ પાડોશી સાથેના સંબંધો કાયમ મીઠા રાખવાનું કામ ભાગ્યે જ કરે છે. જરૂરી નથી કે તમારી પાર્ટીઓમાં આવે , વાટકી વ્યવહારમાં ખરો ઉતરે કે પછી એના પ્રસંગોમાં તમને આમંત્રણ આપે તો જ સાચો પાડોશી, મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાને પહોંચતાં વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશીને જાત કે ધર્મથી આંકનારને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે.
બહાર ગામ જવાનું થતું ત્યારે ઘરની ચાવી પાડોશીના ઘરે અપાતી, આપણા ઘરે મહેમાનો આવે અને પાડોશી દ્વારા એમના ઘરના ખુરશી, ગાદલા, પલંગથી લઈને આખું ઘર આપણા મહેમાનો માટે ખુલ્લું મુકાઇ જતુ આપણે બધાએ જોયું છે, પડોશીના દીકરા દીકરીઓ એકબીજાના ઘરે માત્ર સચવાતા એટલું જ નહિ આખેઆખું બાળપણ ઉછેરાઈ જતુ એના આપને સાક્ષી છીએ. યાદ રાખવા જેવું છે કે પડોશી ભૂખ્યા રહે અને તમે પેટ ભરીને જમી રહ્યા છો તો ક્યાંક જાણે અજાણે પણ આપણે આપણો માનવતા ધર્મ ચુકી રહ્યા છીએ… આપણા પાડોશી સાથેના સબંધમાં મોસમનાં પહેલાં વરસાદ પછીની માટીની સુગંધની જેમ બધું કુદરતી હોય છે. જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે. સરળતાથી સંબંધ શરૂ થાય અને એ જ સરળતાથી સંબંધ આગળ વધે એ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળે છે. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા પહેલા સગા સાથેના સંબંધો અકબંધ રહેવા જોઈએ. સંબંધોમાં ગૂંચવણો કે કાવાદાવા ના હોવા જોઇએ.
ચર્ચની એક દીવાલ પર સુવાક્ય વાંચેલું કે “તમારી પડોશમાં રહેતો વ્યક્તિ જો નિશ્ચિંત આરામ ફરમાવે છે તો એનું કારણ તમે છો , કારણકે એને એ અહેસાસ છે કે તમે એની પડોશમાં રહો છો” તદ્દ્ન સાચી વાત કરી છે કારણકે તમારી હાજરી એની નિશ્ચિંતતા નું કારણ છે તો એ પાડોશી ધર્મ કેવી રીતે નિભાવવો એ જવાબદારી આપણા પક્ષે છે… એકબીજાની સાથેનો સારો વ્યવહાર જીવનમાં મધુરપ પ્રગટાવે છે.
છેલ્લે……… “જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જો તમે તેવું નકરી શકો તો તે ફળોનાં છોતરાં બહાર ફેંકશો નહિં, જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.”
(એક ધાર્મિક ગ્રંથ માંથી)