આજની પેઢી વારંવાર એમ કહે કે મારા બાપા મને સમજતા નથી ત્યારે એમ થાય કે, ખરેખર કોણે કોને સમજવા જોઈએ. આજના દિવસે ચાર્લ્સ વેડ્સવર્થનું એક વાક્ય યાદ આવે છે,
આજે ફાધર્સ ડે છે… ચારે તરફ પિતા માટેનો ઉત્સાહ અને ઉલ્લાસ દેખાશે. ગિફ્ટ, કાર્ડ, ડિનર કે પછી કોઈપણ રીતે ઘરની એક વ્યક્તિને એક દિવસ માટે ખાસ હોવાની અનુભુતી કરાવાશે. પછી? પછી ફરીથી એ જ જૂની ઘરેડ અને એ જ જૂનો કંકાસ કે મારા બાપાનો ત્રાસ છે. અહીં સવાલ એટલો જ થાય કે જો તમને પિતા ત્રાસ આપનાર જ લાગતા હોય તો તમારે તેના માટે એક દિવસ પણ ફાળવવાની જરૂર શા માટે છે. તમે પિતાને ઓળખો છો કેટલા અને કેવી રીતે. તમારી માતા તમને બાળપણમાં શીખવે છે કે આ પુરુષ તમારો પિતા છે. તેના કારણે જ જીવનના પહેલા તબક્કાથી અંતિમ તબક્કા સુધી આપણે માત્ર માતાની વાતને જ સત્ય માનીને ચાલીએ છીએ. માતા જે કહે તે સ્વીકારવાનું અને પિતા જે કહે તેનો પહેલી તબક્કે વિરોધ કરવાનો. પિતા પર વિશ્વાસ મૂકતા માતા શીખવે છે. પિતાને પિતા તરીકે સ્વીકારવાનું માતા શીખવે છે. આપણો પિતા સાથેનો સંબંધ ક્યાં માતાના કહેવાથી સાબિત થાય છે અથવા તો ડીએનએ કે ક્રોમોઝોમ દ્વારા સાબિત થાય છે. માતા વિશે અનેક વાતો, કવિતાઓ, પુસ્તકો અને ગ્રંથો લખાયા હશે પણ પિતા વિશે ખાસ કંઈ લખાયું જ નથી કે લખાતું જ નથી. તેના કારણે જ લોકોને પિતા પ્રત્યે લાગણી જન્મવી જોઈએ તે જન્મતી નથી.
આમ જોવા જઈએ તો ભુલ આપણી જ છે. વાતવાતમાં પિતાને કઠોર, જડ અને જિદ્દી ચિતરવામાં આવે છે. સવાલ એ થાય કે ખરેખર પિતા એવા જ હોય છે? જો ખરેખર તે વ્યક્તિ એવી હોય તો એક દિવસ માટે પણ શું કામ તેના અસ્તિત્વની ઉજવણી કરવી? વાસ્તવિકતા એવી છે કે, પિતા અથવા તો પુરુષને કુદરતે શક્તિ આપી છે કે કોઈપણ સ્ત્રી સાથે રહીને તે પોતાના સંતાનોનું સર્જન કરી શકે છે પણ સંતાનો પાસે એવી કોઈ તાકાત નથી કે તે પોતાના સાચા પિતાનું સર્જન કરી શકે. આ પાત્ર હંમેશા ચોક્કસ હાંસિયામાં રહ્યું છે. તેને પરિવાર, સમાજ અને સંસ્કૃતિના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. પિતા બન્યા બાદ તે નથી હસી શકતો, નથી રડી શકતો, તેણે ચોક્કસ મહોરું પહેરીને આખી જિંદગી પોતાનું પાત્ર ભજવવું પડે છે. સમયાંતરે તેની સમાજ, પરિવારમાં એન્ટ્રી અને એક્ઝિટ થયા કરે છે.
આપણે ત્યાં કોઈપણ વ્યક્તિની પાછળ પિતાનું નામ હોવું ફરજિયાત છે. જાણે અજાણે અને કોઈ કહે કે ન કહે પણ સમાજની માનસિકતા પ્રમાણે પિતાના નામ વગરની વ્યક્તિ અનૌરસમાં ગણાય છે. ઘણા લોકો માતાનું નામ લખાવે છે અને આ હિંમતને સમાજ ધીમે ધીમે સ્વીકારવા લાગ્યો છે છતાં પિતા વિશે ઔપચારિક કે સહજ પૃચ્છા તો કરવામાં આવે જ છે. સમાજમાં પિતાને અર્થોપાર્જનના સાધન તરીકે જોવાયો છે. લાગણીઓની સાથે રહેવાનો તેને અધિકાર અપાયો જ નથી. તે પોતાના સંતાનો પ્રત્યે લાગણી વ્યક્ત કરી શકે તેટલો મુક્ત તેને બનવા જ નથી દેવાયો. કોઈ પુરુષ કે પિતા લાગણીશિલ હોય, કોમળ હૃદય હોય તેવું સમાજને ખટકે છે. સંતાનની સફળતામાં માતાનું યોગદાન વરસો સુધી ગવાય છે કે યાદ કરાય છે પણ આ સંતાનની સફળતા પાછળ એક પિતાનું મૂક બલિદાન છે તેને કોઈ જોતું જ નથી.
આજની ફેસબુકિયા અને વોટ્સએપિયા સેલ્ફિશ પેઢીને માત્ર પ્રસંગોએ સેલ્ફી લઈને અપલોડ કરતા આવડે છે પણ એક વખત વિચારજો કે તમારા શરીરને બ્રાન્ડેડ કપડાંથી ઢાંકવા માટે જ પિતા કેટલી મહેનત કરે છે. તમારી સેલ્ફિઓ યાદગાર બનાવતા સ્માર્ટફોન માટે તે ડફોળની જેમ વૈતરું કરે છે. તેના ચહેરા પરની કરચલીઓને ધ્યાનથી જોજો તો તમારા ઈસ્ત્રી ટાઈટ કપડાંની કિંમત સમજાઈ જશે. પિતા તો વરસાદ જેવા હોય છે… વરસે ત્યારે જિંદગીને તરબતર કરી લેવાની… તેને વરસાવવા જાઓ તો દુઃખી થવાય. પિતાનો સ્નેહ વડલા જેવો હોય છે… તેની છાયા અને વડવાઈઓમાં જે સુખ મળે તે ભોગવી લેવાનું બાકી મૂળિયા ઉખેડવા જાઓ તો પીડા જ મળવાની છે. પિતાને સમજવાનો હોય જ નહીં. તેને જો જે છે તેવા સ્વરૂપે અપનાવી લેવાના હોય છે. પિતા ધોધમાર વરસાદ જેવો હોય છે તેના જળના મૂળ શોધવાના ન હોય. બસ તે વરસતો જાય અને આપણે ભિંજાતા જવાનું હોય છે. આવા વરસાદમાં ભીંજાવાથી જ સ્નેહની સાચી સુગંધને પામી શકાય છે. આવા સંજોગે કાયમ એક જ સવાલ થાય છે કે,
સાહિત્યના સર્જકોને જઈને સમજવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખ્યું, કેમ ના પિતા વિશે?
-રવિ ઈલા ભટ્્ટ