અમદાવાદ : રાજકોટના પડધરીમાં પાકવીમો નહી મળતાં એક હજારથી વધુ ખેડૂતો વિફર્યા હતા અને માર્ગો પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ વીમા કંપનીઓ અને સરકારના સત્તાવાળાઓની મિલીભગતના કારણે તેમને પાકવીમો નહી મળ્યો હોવાનો આક્રોશ વ્યકત કરતાં એક તબક્કે પોલીસે નિર્દોષ ખેડૂતો પર રીતસરનો લાઠીચાર્જ વરસાવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે જારદાર ઝપાઝપી પણ થઇ હતી અને પરિસ્થિતિ વણસતાં પથ્થરમારો પણ થયો હતો. પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ કરી હતી, જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. ખેડૂતો પર ભાજપ સરકારના રાજમાં ફરી એકવાર પોલીસના અત્યાચારને લઇ ખેડૂતઆલમમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મામલતદાર કચેરીએ પાકવીમો નહી મળતા એક હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા અને માર્ગો પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
ખેડૂતો તરફથી જા પાકવીમા અંગે સરકાર દ્વારા તાકીદે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમજ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીંની પણ ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતો વિફરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. એક તબક્કે પથ્થરમારો થતાં સમગ્ર મામલો ગરમાયો હતો અને પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં આજે એક હજારથી પણ વધુ ખેડૂતો પાકવીમાની માગણીને લઈને પડઘરી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. વિવિધ બેનર્સ સાથે ખેડૂતોએ ન ફક્ત સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા પણ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી અને રસ્તો ચક્કાજામ કરી નાખ્યો હતો. જેના પગલે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચાર્જ કરીને ખેડૂતોની અટકાયત કરી હતી.
ખેડૂતોએ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ, ઓછા વરસાદને કારણે ખેડૂતોનો પાક બેકાર થઈ ગયો છે, જયારે તાજેતરમાં માવઠાની સ્થિતિને લઇ ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતુ. આવા કપરા સંજાગોમાં પણ વીમા કંપની અને સરકારની મીલીભગતને કારણે પડઘરીના ખેડૂતોને પાકવીમો પણ મળ્યો નથી. જ્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને ફક્ત ૧૦ ટકા પાકવીમો આપવામાં આવ્યો છે.
ખેડૂતોની આવી કફોડી હાલત હોવાછતાં સરકારના પેટનું પાણી હાલતુ નથી. ખેડૂતોએ જારદાર ચીમકી ઉચ્ચારી હતી કે, જા ખેડૂતોને આવનારા દિવસોમાં પાકવીમો નહીં મળે તો ન ફક્ત મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે પણ કઈ પણ પક્ષના રાજનેતાઓને ગામમાં ઘૂસવા પણ નહીં દેવામાં આવે. તેમનું કહેવું છે કે, આ સાથે જ આવનારા સમયમાં દૂધ, શાકભાજીનો સપ્લાય રોકી દેવામાં આવશે અને ઉપવાસ કરવા સહિત સ્વૈચ્છિક મોતની મંજુરી માગવા જેવા ઘણા આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને આંદોનને વધુ પણ ઉગ્ર બનાવવામાં આવશે. લોકસભા ચૂંટણીના થોડા જ દિવસો બાકી છે, ત્યારે ખેડૂતોની નારાજગી રાજય સરકારને ભારે પડી શકે છે.