આજકાલ બાળકોનું બાળપણ મોબાઇલ, વિડીયો ગેમ્સ અને ઇન્ટરનેટ પૂરતું સિમીત થઇ ગયું છે. સ્કુલથી ઘરે આવ્યા બાદ બાળકો આઉટડોર ગેમ્સની જગ્યાએ વિડીયો ગેમ્સ અને મોબાઇલ ગેમ્સ જ રમે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને નેચરની નજીક લઇ જવા માટેનો સુંદર આઇડિયા એટલે ફેરી ગાર્ડન.
ફેરી ગાર્ડન તમારા ઘરમાં વધુ જગ્યા પણ રોકશે નહી અને બાળકોની કાલ્પનિક દુનિયાને તમે જીવંત પણ બનાવી શકશો. રોજ એ ફેરી ગાર્ડનમાં નવી નવી વસ્તુઓ મૂકવી અને પ્લાન્ટનું ધ્યાન રાખવા માટે બાળકો અધીરા બની જશે.
કેવી રીતે બનાવશો ફેરી ગાર્ડન ?
ફેરી ગાર્ડન બનાવવા માટે નાની સાઇઝનું બકેટ અથવા મોટી સાઇઝનું માટીનું અથવા પ્લાસ્ટિકનું કુંડુ લઇ શકાય. તેને માટીથી ભરી દઇ અને તેમાં નાના પ્લાન્ટ્સ જેમકે એલોવેરા,પીસ લીલી,ક્રિસમસ કેક્ટસ, સ્નેક પ્લાન્ટને રોપી દો. દરેક પ્લાન્ટ્સને થોડા થોડા અંતરે રોપવા જેથી ફેરી ગાર્ડનમાં જગ્યા દેખાય. ત્યારબાદ રંગીન પેબલ્સ દ્વારા તેની સજાવટ કરવી, નાનકડી પગદંડી જેવું પણ બનાવી શકાય. નાનો રાઉન્ડ શેપનો ડબ્બો લઇને વચ્ચે મુકવો અને એની અંદર પાણી ભરીને નાનકડુ તળાવ બનાવી શકાય. ફેરી હાઉસ મુકીને ત્યાં ફેરીને મુકી દેવાથી ગાર્ડનમાં રોનક આવી જશે. ફેરી ગાર્ડનમાં ડુપ્લીકેટ ઘાંસ, રમકડા મુકીને વધુ સુંદર બનાવી શકાય. બસ તમારુ ફેરી ગાર્ડન તૈયાર છે.
ફેરી ગાર્ડનને તમે તમારા બાળકોના રૂમમાં પણ મૂકી શકો અથવા તો તમારા ગાર્ડન કે બાલ્કનીમાં પણ સજાવી શકો. તમારા બાળકો આ ફેરી ગાર્ડન તરફ આકર્ષાશે અને ઘરની સુંદરતામાં પણ વધારો થશે.