અમદાવાદ : એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(એએઆઇ) દ્વારા અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવેથી અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે. આમ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અપગ્રેડેશન અને સંચાલન હવે અદાણી ગ્રુપ કરશે. આ નિર્ણય બાદ અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાલ પર ઉતર્યા છે. આ દરમિયાન કર્મચારીઓએ હવાઈ અડ્ડા બચાઓ.., ખાનગીકરણ રદ કરોના જોરદાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સહિત દેશના છ એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે ગત નવેમ્બરમાં બિડ મંગાવી હતી, જે તાજેતરમાં ખુલતાં છ માંથી પાંચ એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટની જવાબદારી અદાણી ગ્રૂપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને સોપાઈ છે.
અદાણી પાસે જોકે, એરપોર્ટના સંચાલન માટેનો કોઈ અનુભવ નથી અને અત્યાર સુધી તેણે મોટાભાગે પોટ્ર્સની જ કામગીરી કરી છે. એરપોર્ટ ઓથોરિટીએ અમદાવાદ, જયપુર, લખનઉ, ત્રિવેન્દ્રમ અને મેંગલોરના એરપોર્ટનો કોન્ટ્રાક્ટ ૫૦ વર્ષ માટે અદાણીના હવાલે કર્યું છે. આ ઉપરાંત ખાનગીકરણ સામે ગૌહાટી હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાના પગલે ગૌહાટી એરપોર્ટની બીડ હજી સુધી ખુલી નથી. ખાનગીકરણ માટે જે છ આઇરપોટ્ર્સ માટે બિડ મંગાવાઈ હતી, તેમાં પેસેન્જરોનો સૌથી વધુ ટ્રાફિક અમદાવાદ એરપોર્ટ પર રહે છે. એરપોર્ટ ઓથોરિટીના આંકડા મુજબ, અમદાવાદ એરપોર્ટ પર વાર્ષિક આશરે એક કરોડથી વધારે મુસાફરોની અવર-જવર રહે છે.
જ્યારે જયપુર, લખનઉ અને ત્રિવેન્દ્રમમાં વાર્ષિક ૪૫ લાખથી પણ ઓછો ટ્રાફિક નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ નફો અને પ્રોફીટ રળતું હોવાછતાં તેનું ખાનગીકરણ કેમ કરાયું તેને લઇ એરપોર્ટ કર્મચારીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ અને આ ક્ષેત્રના અન્ય નિષ્ણાતોએ પણ અદાણીને ખાનગીકરણનો કોન્ટ્રાકટ આપી દેવાતાં તેની પાસે આ વિષયને લઇ કોઇ અનુભવ નહી હોવા સહિતના ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એરપોર્ટ કર્મચારીઓની આજની ભૂખ હડતાળ અને જોરદાર વિરોધ પ્રદર્શનને લઇ હવે અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણનો મામલો ગરમાયો છે. એરપોર્ટ કર્મચારીઓ આ મામલે સખત રીતે લડી લેવાના મૂડમાં હોવાની સ્પષ્ટ તાકીદ પણ તેમણે સત્તાવાળાઓને આપી હતી.