ઈડીઆઈઆઈએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ’ની ઉજવણી કરી; દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કર્યા

Rudra
By Rudra 3 Min Read

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદએ અંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે સફળ દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરીને આ દિવસની ઉજવણી કરી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય મંત્રી ડૉ. પ્રદ્યુમન ગણુભાઈ વાઝા, સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, ગુજરાત ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ડૉ. સુનીલ શુક્લા, મહાનિદેશક, ઈડીઆઈઆઈ; ડૉ. સત્યા રંજન આચાર્ય, પ્રોફેસર અને ડિરેક્ટર, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ વિભાગ, ઈડીઆઈઆઈ; ડૉ. અમિત કુમાર દ્વિવેદી, પ્રોફેસર અને ડિરેક્ટર, સરકારી પ્રોજેક્ટ્સ વિભાગ, ઈડીઆઈઆઈ તેમજ ડૉ. પ્રકાશ સોલંકી, એસોસિએટ પ્રોફેસર, ઈડીઆઈઆઈ પણ ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમમાં 20 થી વધુ સ્ટોલનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

સમાન તકોની આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં ડૉ. પ્રદ્યુમન વાઝાએ કહ્યું, “દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં — શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સંભાળ સહિત — સમાન તકો અને અધિકારો સુનિશ્ચિત રૂપે મળવા જોઈએ . ભારત એ વિકાસશીલ દેશોમાંનું એક છે, જે દિવ્યાંગજનોના કલ્યાણ માટે સૌથી વ્યાપક નીતિગત માળખું ધરાવે છે. સરકાર તેમજ ઈડીઆઈઆઈ જેવી સંસ્થાઓના સહકારથી, સતત દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવા અને તેમને સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે. દિવ્યાંગોને સશક્ત બનાવવા અને તેમના જીવનને ગૌરવ અને તકોથી સમૃદ્ધ બનાવવા માટેના પ્રતિબદ્ધ પ્રયાસો માટે હું ડૉ. શુક્લા અને તેમની ટીમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.”

ઈડીઆઈઆઈના મહાનિદેશક ડૉ. સુનીલ શુક્લાએ કહ્યું, “ભારત એક સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પગલાં લેવાની જરૂરિયાત તરફ આગળ વધી રહ્યું છે. નવી વિચારસરણી અને નવું વાતાવરણ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ પરિવર્તન માટે આવશ્યક છે કે સમાજ સતત, પ્રતિબદ્ધ અને સક્રિય પગલાં ભરે, જે લોકોમાં દિવ્યાંગજનો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવા અને સમાનતાને સ્વીકારવા માટે પ્રેરણા આપે. ઈડીઆઈઆઈમાં અમે આ દિશામાં ઉત્સાહજનક પરિણામો જોઈ રહ્યા છીએ અને દિવ્યાંગજનો માટે સહાયક તથા સમાવે એવા પરિસ્થિતિતંત્રને મજબૂત બનાવતી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ પણ વિકસાવી છે. ”

આ પ્રસંગે દિવ્યાંગ ઉદ્યમીઓને તેમના સાહસ અને મર્યાદાઓને પાર કરીને સફળતા પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત દિવ્યાંગ ઉદ્યમીઓમાં શ્રીમતી કવિતા મોદી (રવિ 555), શ્રીમતી ચેતનાબેન પટેલ (ગુરુશક્તિ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ) અને શ્રી કલ્પેશ મગનભાઈ પંડ્યા (સેલ એન્ડ રિપેરિંગ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ) નો સમાવેશ હતો. ઉદ્યમીઓનેને સન્માનપત્ર પ્રદાન કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ‘સેન્ટર ફોર એમપાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (CEDA)’ પર આધારિત એક દસ્તાવેજનું વિમોચન પણ કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ તથા સફળતા સાથે સંબંધિત કેટલીક પ્રેરણાદાયક કહાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share This Article