અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો છે અને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સ્ટાર પ્રચારકો પોતપોતાના પક્ષના આક્રમક પ્રચાર કરી પ્રચંડ લોકજુવાળ ઉભા કરવામાં જાતરાયા છે ત્યારે બીજીબાજુ, રાજયના અમુક જિલ્લાઓ અને ક્ષેત્રોમાંથી રાજકીય પક્ષોને વિરોધ અને નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં આવું જ કંઇ વાતાવરણ ભાજપ વિરોધી જોવા મળ્યું હતું. સહકારીક્ષેત્રની નામાંકિત એવી મહેસાણાની દૂધસાગર ડેરી જ હવે ભાજપ સરકાર સામે આકરા પાણીએ આવી હતી અને પશુપાલકોની બેઠકમાં કોંગ્રેસને જીતાડવા અપીલ કરી નાંખી હતી.
દૂધસાગર ડેરીના આ વલણને લઇ રાજયના સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો ભાજપની છાવણીમાં પણ સોપો પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સત્તાપક્ષના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તો સામાપક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા, કોંગી ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજકીય વાતાવરણને ચૂંટણીમય બનાવી તેનો ભરપૂર લાભ ઉઠાવવાના મૂડમાં છે તેવા સમયે મહેસાણાની દૂધસાગર ડેરીના નિર્ણયથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડેરીએ આજે પશુપાલકોની બેઠક બોલાવીને ભાજપ સરકાર દ્વારા થતાં ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચી હતી. એટલું જ નહી, વર્તમાન ભાજપની સરકાર સામે બાંયો ચઢાવીને કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ કરી હતી.
દૂધસાગર ડેરીની મહેસાણા સ્થિત અર્બુદા હોલ ખાતે ડેરી દ્વારા પશુપાલકોની મિટિંગ યોજાઈ હતી. તેમાં ભાજપ સરકાર ડેરીને ખોટી રીતે હેરાન કરતી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. ડેરીના વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરીએ મિટિંગમાં જણાવ્યું હતું કે, ડેરીને અન્યાય થતો હોવાથી હવે સરકાર બદલવાની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં ડેરી કોંગ્રેસને મદદ કરશે. તેમાં ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના મહેસાણા પ્રમુખ રામજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોને કોંગ્રેસને જીતાડવા માટે ડેરીના ચેરમેને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી બે જિલ્લા મહેસાણા અને પાટણમાં લાખોની સંખ્યામાં પશુપાલકો માટે જીવનનો આધાર છે. ઉત્તર ગુજરાત ભાજપ માટે બહુ મહત્વનું સ્થાન છે અને તેથી ભાજપની છાવણીમાં આજના ઘટનાક્રમને લઇ સોપો પડી ગયો હતો.