છાશ લેવા જવુ અને દોણી સંતાડવી….? આ કહેવત તમે સાંભળી હશે. આનો ખરો મતલબ એ થાય છે કે જ્યારે તમારે કંઈ કામ હોય તો સામે ચાલીને તે વિશે કહેવુ પડે…અન્ય કોઈ તમારા માટે ન કરી આપે…તેનાં માટે તમારે તમારી મદદ તો કરવી જ રહી….!!!
શાલીન એક્ટિંગ સ્કૂલમાં ભણે છે. તેની ઈસ્ટિટ્યૂટમાં ઘણીવાર ઓડિશન આવતા હોય છે, તેને હિરો તો બનવુ છે પણ ઓડિશન આપવામાં…સામે ચાલીને વાત કરવામાં શરમ આવે છે. તે દરેક ઓડિશન વખતે માત્ર તેની સીડી આપીને ચાલ્યો આવે છે. મમતાબહેને તેમની ફ્રેન્ડ સાથે મલ્ટિલેવલ માર્કેટિંગમાં જોડાઈને બ્યૂટિ પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. હવે તેમને લોકોને કન્વીન્સ કરવાના છે કે તેઓ પણ આ બિઝનેસ ચેઈનમાં જોડાય. મમતા બહેન એટલા શરમાળ છે કે તેમને લોકોને એ કહેવામાં પણ શરમ આવે છે કે તેમને આ નવી પ્રવૃતિ શરૂ કરી છે. સૌમ્યા પાસે હાલ કોઈ જોબ નથી તે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહી છે, પરંતુ તેને પોતાના મિત્રો પાસે એટલુ કહેતા શરમ આવે છે કે મારા લાયક કોઈ જોબ હોય તો કહેજો. રાજુભાઈએ સમાજમાં આગળ રહીને ગણાં દિકરા-દીકરીઓનાં લગ્નનું નક્કી કરાવડાવ્યું છે પણ આજે પોતાના સંતાનો માટે તેમને કોઈને પૂછતાં સંકોચ થાય છે.
આ દરેક કિસ્સામાં લોકો બીજાને હેલ્પ કરવા તો તત્પર રહે છે, પરંતુ જ્યારે પોતાના માટે વાત કરવાની આવે તો થોડો સંકોચ થાય છે. કહેવાય છે ને અપને મૂહ મિયાં મીઠ્ઠુ કેસે બનુ…તેવા સંકોચને કારણે લોકો પોતાની અરજી અન્ય સમક્ષ કરતાં ખચકાય છે. એક અન્ય કહેવત એ પણ છે કે માગ્યા વગર તો મા પણ ના પીરસે. આપણી આસપાસ એવા ઘણાં લોકો છે જેને જીવનમાં કોઈની સામે હાથ લંબાવવામાં સંકોચ થતો હોય છે. તેનો મતલબ એવો નથી કે તે તમામ ઈગોવાળા છે પરંતુ તેમની અંદર એક સંકોચ છે.
ભગવાન આપણને હાથ પગ અને મોઢું આપે છે. સ્વજનો આપણી સગવડો પૂરી પાડી આપે છે, પરંતુ જમવુ તો આપણે જાતે જ પડે છે. તેવી જ રીતે પરિસ્થિતિ આપણને તક આપે છે પરંતુ તે તકમાં થોડીક શરમ અને થોડોક સંકોચ છોડીને જો તે સમયે આગળ પડીને વાત કરીએ તો કામ થઈ શકે છે. શાલીનનાં કિસ્સામાં જો શાલીન થોડી હિંમ્મત કરીને સંકોચ તોડીને સામેથી ઓડિશન આપવા જાય તો બની શકે કે કંઈ સારુ કામ તેને મળી શકત. તેની એક્ટિંગ અન્યથી સારી હતી પરંતુ તેણે ઓડિશન ન આપ્યુ અને માત્ર સીડી આપી એચલે આયોજકોને એવુ લાગ્યુ કે તે એટિટ્યૂડ વાળો છે એટલે તેને સિલેક્ટ ન કર્યો. મમતાબહેનને પોતે જ પ્રોડક્ચ યુઝ કરવામાં કે તેનાં વિશે કહેવામાં શરમ આવે છે તો તે બીજાને આ બિઝનેસ કેવી રીતે શીખવાડી શકે? સૌમ્યા મિત્રો સાથે એવું બિહેવ કરે છે કે તે તેની જોબ છૂટવાથી પણ ખુશ જ છે, જેથી તેનાં મિત્રોને એવુ લાગે છે કે તેને તો કમાવવાની ક્યાં જરૂર છે? રાજુભાઈ પણ જો થોડોક સંકોચ છોડીને લાગતા વળગતાને વાત કરતા રહે તો તેમની સંતાન માટે યોગ્ય જીવનસાથી અચૂક મળી રહે.
આજે દરેક વ્યક્તિએ સેલ્ફ માર્કેટિંગ કરવું અનિવાર્ય બન્યુ છે. તેનો મતલબ એ નથી કે તમે પોતાના જ વખાણ કરતાં ફરો પણ, હા સમયે સમયે પોતાની ખૂબીઓ બતાવવા માટે, રોજગારી માટે તમારે તમારી જાતને પ્રેઝન્ટ કરવી જ પડશે. તમારે તેના માટે તો તમારી પોતાની હેલ્પ કરવી જ પડશે.
-પ્રકૃતિ ઠાકર