હેપી બર્થ ડે – કનૈયા
આવી ગઈ જન્માષ્ટમી, ‘આપણા’ કૃષ્ણનો જન્મદિવસ. કૃષ્ણ સાથે ‘આપણાં’ શબ્દ આપણે સહજતા થી લગાવી દઈએ છીએ. કારણકે કૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું છે, કે તેની સાથે સૌ કોઈ ખેંચાઇ આવે છે. પછી ભલે તે મીરા, નરસિંહ, બોડાણા કે વ્રજની ગોપી કેમ ન હોય! કૃષ્ણનો જન્મ દિવસ આપણે વર્ષોથી ઊજવતાં આવ્યા છીએ, યુગો યુગોથી આપણે તેની ઉજવણી કરતાં આવ્યા છીએ, તેમ છતાં હજુ પણ આપણે કૃષ્ણને કળી નથી શક્યા. કૃષ્ણના નામ સાથે જ પ્રેમ વણાયેલો છે. કૃષ્ણનો માતા, પરિવાર, ગામ, રાજ્ય, મિત્રો અને પ્રકૃતિ સાથે અનહદ પ્રેમ વણાયેલો છે. ત્યારે કૃષ્ણના પ્રેમમાં આપણે સૌ પડી જઈએ એ વાત આપણે સ્વીકારવી જ રહી. કૃષ્ણનું હૃદય કેટલું વિશાળ છે કે તેને તમે કોઈ પણ નામ થી બોલોવો એ એને ક્યારેય ખોટું નથી લાગતું, તમે એને કાળિયો કહો, કે માખણચોર, તમે એને રણછોડ કહો કે સારથિ , તમે એને ચિતચોર કહો કે નટખટ કૃષ્ણ દરેક ઉચ્ચારે દરેક સંબોધને હાસ્ય રેલાવે છે. કૃષ્ણજાતે પણ ખુશ રહે છે અને એના ભક્તો ને પણ ખુશ રાખે છે .
ગીતાના એક શ્લોક અર્જુને જ્યારે કૃષ્ણને ‘અવતાર’ વિશે જણાવવા કહ્યું ત્યારે કૃષ્ણ અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની આશક્તિથી, પોતાની સત્તાથી, વિચાર-વાણી-વર્તન અને વ્યવહારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’ કહેવાય.’
‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો હશે એમ કહીએ તો ખોટું નહીં કારણ કે અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે નીચે તરફ . ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતરણ -શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે. તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.
ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું”.
પૃથ્વી પર પ્રાપ્ત થયેલા પોતાના જીવનના મૂલ્યો વિષે ઘણા ઓછાને ખ્યાલ હોય છે જેમને ખ્યાલ છે એમને પણ એ વિશે ચિંતન કરવાનો આવકાશ નથી. પરિણામે ક્યાં તો એ એ વ્યગ્ર જીવે છે અથવા નો વ્યસ્ત જીવે છે કે પછી વ્યર્થ જીવે છે, પણ કૃષ્ણ માત્ર એક એવા જીવ છે જેમને તેઓના જન્મનું અને તેમના અવતારના તાત્પર્ય ની જાણ હતી એટલે જ તો તેઓ એ તેમના જન્મ પૂર્વે જ હજારો વર્ષો પહેલા જણાવી દીધું હતું કે
“યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનિર ભવતિ ભારત,
અભ્યુ થાનમ અધર્મ્સ, તદાત્મંમ સુર્જ્યંયહમ સંભાવમી યુગે યુગે.“
કૃષ્ણએ પોતાનું જીવન એટલું સુંદર રીતે ચરીતાર્થ કર્યું છે કે તે વૃદ્ધો માટે પુત્રરૂપ, યુવાનો માટે મિત્રરૂપ , તથા ભક્તો માટે ભગવાનરૂપ એવા શ્રીકૃષ્ણનો જન્મ પ્રત્યેક સમયે પ્રેરણારૂપ અને આદર્શરૂપ છે.
કૃષ્ણ જ્યારે ગુરુ થઈને આટલું બધુ જ્ઞાન આપે છે ત્યારે સમગ્ર જગત તેઓને વંદન કરે છે , અને “ કૃષ્ણમ વંદે જગત ગુરુ “ એમ સ્વીકારવું રહ્યું. કૃષ્ણની આટલી બધી વાતો કર્યા પછી પણ ચોક્કસપણે કૃષ્ણને સમજી નથી શકાતા કારણ કે સમજી શકાય તે કૃષ્ણ નહીં…એમની લીલા, એમેના લટકા, એમેના વચનો, અને એમની માયા અપરંપાર છે જેને પચાવવીએ કદાચ કાળા માથાના માનવીની ક્ષમતા બહારની વાત છે. શ્રીકૃષ્ણ એટલે ગીતાના ઊપદેશક, દેવકીના દુલારા પ્રત્યેક ભક્તના હદયમાં સ્થાન ધરાવતા શ્રીકૃષ્ણ અંગે જેટલું વર્ણવીએ તેટલું ઓછું છે.
છેલ્લે…
આપણે કૃષ્ણને આજે મોબાઈલની રીંગ ટોન અને સોશિયલ મીડિયાના સ્ટેટ્સમાં બાંધી દીધો છે, કૃષ્ણના મંદિરે જઈ સખી ભાવે રંગાઈ જવાને બદલે આપણે મોબાઈલની ઈમેજમાં પોતાનું કે કંપનીનું નામ લખીને જે રીતે એક બીજાને ફોરવર્ડ કરી રહ્યા છીએ તે જોતા એવું લાગે છે કે જાણે આપણો કાનો આપણી કંપનીનો બ્રાંડએમ્બેસેડર હોય!!
ભલે જન્મ દિવસની ઊજવણીની પ્રણાલી બદલાઈ હોય પણ હદયમાં કાનુડા પ્રતેયનો ભાવ તો અકબંધ જ રહેવો જોઈએ.. કૃષ્ણ જન્મ સમયે એમના ગુણગાન ગાવામાં આવે અને એમની લીલાને સમજવામાં આવે તો કદાચ તેમની કૃપા આપની સૌ ઉપર વર્ષે.
- નિરવ શાહ